૩૨,૦૦૦ વાહનધારકો પાસેથી વાહનકર પેટે ૮ કરોડ વસૂલાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-આવકનો નવો સ્ત્રોત; એપ્રિલથી સપ્ટેમ્બર સુધી વાહન ખરીદનારા
-ઓકટોબર અને નવેમ્બરનાં વાહનો સામેલ કરાશે તો કરનો આંકડો ૧૦ કરોડની ઉપર પહોંચશે

વડોદરા સેવાસદને આવકના નવા સ્ત્રોત તરીકે ચાલુ વર્ષના બજેટમાં શહેરીજનો દ્વારા ખરીદ થતા નવા વાહનો પર વાહનકર વસુલવાની જોગવાઇ કરી છે. જે અંતર્ગત છ મહિ‌નામાં વાહન ખરીદનારા ૩૨૦૦૦ વાહન ધારકો પાસેથી વાહન કર પેટે અંદાજે ૮ કરોડની રકમ વસુલ કરાતાં સેવાસદનની આર્થિ‌ક હાલત સુધરશે.

સેવાસદને તેની કથળેલી આર્થિ‌ક હાલતમાં સુધારો કરવાના આશયથી ૨૦૧૩-૨૦૧૪ ના બજેટમાં શહેરીજનો દ્વારા ખરીદવામાં આવતા વાહનોનો આજીવન વેરો વસુલ કરવાની જોગવાઇ સામેલ કરી હતી. આ જોગવાઇનો અમલ કરવાની દિશામાં સેવાસદન તંત્રે પ્રયાસો શરૂ કર્યા છે. જે અંતર્ગત શહેરીજનોએ ચાલુ વર્ષે એપ્રિલ પછી ખરીદ કરેલા વાહન પર વાહનકર લેવાના બિલો બનાવી તેના વિતરણની કાર્યવાહી શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે.

એપ્રિલ-૨૦૧૩ થી સપ્ટેમ્બર-૨૦૧૩ સુધીના છ મહિ‌નાના સમયગાળામાં શહેરમાં ખરીદાયેલા અંદાજે ૩૨૦૦૦ વાહનોનો વાહનકર વસૂલવાના બિલો તૈયાર કરાયા છે. આ ૩૨૦૦૦ બિલોની ડિમાન્ડ રકમનો આંક અંદાજે ૮ કરોડ થાય છે. જો કે, ઓક્ટોબર અને નવેમ્બર મહિ‌નામાં ખરીદ થયેલા વાહનોની સંખ્યા વધારે હોવાની શક્યતાને લઇ આ બે મહિ‌નામાં નોંધાયેલા વાહનોના વાહન કરનો આંક સામેલ કરાશે તો વાહનકરની ડિમાન્ડ ૧૦ કરોડને પહોંચે તેવી ગણતરી મૂકવામાં આવી છે.

સેવાસદને બજેટમાં કરેલી આજીવન વાહનકર વસુલવાની જોગવાઇ અમલી તો બનાવી દીધી છે. પરંતુ વાહનકર માટે વાહનધારકોને બિલ મોકલી વાહનકર વસુલવાની સેવાસદનની આ પદ્ધતિ સફળ થશે ખરી ? તે પ્રશ્ન હાલ ચર્ચાની એરણે ચડયો છે.

વાહનકરનાં બિલો બનાવવાની પ્રક્રિયા શરૂ
વડોદરા સેવાસદન દ્વારા શહેરીજનો દ્વારા ખરીદ કરાતાં વાહનોનો આજીવન વાહનકર લેવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત સેવાસદન દ્વારા ચાલુ નાણાંકીય વર્ષના પ્રારંભથી એટલે કે એપ્રિલ મહિ‌નાથી સપ્ટેમ્બર સુધીના છ મહિ‌નાના સમયમાં શહેરીજનો દ્વારા ખરીદાયેલા વાહનોની વિગતો આર.ટી.ઓ.માંથી મેળવી લેવાઇ છે. વાહન ખરીદનારાની વિગતો મળતાં જ ર્વોડ ઓફિસ સ્તરેથી તેમના વિસ્તારમાં રહેતાં વાહનધારકો પાસેથી નક્કી કરાયેલી વાહનકરની ટકાવારી સાથેના બિલ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. બિલ તૈયાર થતાં જ વાહનધારકોને આપવાની કામગીરીનો પ્રારંભ થશે તેમ જાણવા મળ્યું છે.