વડોદરાની જ્વેલર્સમાંથી ૭૫ હજારની ચોરી

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોચમેને કારમાં આવેલા તસ્કરો પૈકી એકને પકડવાનો પ્રયાસ કર્યો વોચમેનના હાથમાંથી છુટીને તસ્કર સાગરીતો સાથે કારમાં બેસી ફરાર ટાવર પાસે ઘી કાંટા રોડ પર આવેલી ગોપીનાથ જ્વેલર્સનાં તાળાં તોડી તસ્કરો ૭૫ હજારની ચાંદીચોરી ગયા હતા. વોચમેને કારમાં આવેલા ચાર તસ્કરોને પડકારી એકને પકડવાની કોશિશ કરતા છટકીને કારમાં બેસી ફરાર થઇ ગયો હતો.પાદરાની જલારામ સોસાયટીમાં રહેતા મનોજભાઇ વાસુદેવ પંચાલની શહેરના ટાવર વિસ્તારમાં ઘી કાંટા રોડ પર ગોપીનાથ જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. મંગળવારે સાંજે તેઓ નિયત સમયે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. દરમિયાન બુધવારે સવારે સાડા ચારથી પાંચ વાગ્યાના અરસામાં કાર લઇને આવેલા તસ્કરોએ જ્વલેર્સનાં તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ શોકેસ અને ડ્રોઅરમાંથી ચાંદીના દાગીના અને વિવિધ વસ્તુ મળી કુલ દોઢ કિલો ચાંદી કિંમત રૂ. ૭૫ હજારની ચોરી ગયા હતા.આ વિસ્તારનો વોચમેન પાંચ વાગ્યાના અરસામાં રાઉન્ડમાં નીકળતાં ગોપીનાથ જ્વેલર્સ પાસે ચાર શખ્સો માથે કાળી પટ્ટી પહેરીને કાર પાસે ઉભા હતા. જેથી વોચમેને તેમને પડકારી એક શખ્સને પકડવાનો પ્રયાસ કર્યો હતો. આ શખ્સ પકડમાંથી છુટીને સાગરીતો સાથે કારમાં નાગરવાડા ચાર રસ્તા તરફ ફરાર થયા હતા. પોલીસે તપાસ કરતાં દુકાનમાં સીસીટીવી ન હોવાનું સપાટી પર આવ્યું હતું. દાંડિયાબજારમાં શો રૂમનાં તાળાં તોડવાનો પ્રયાસ દાંડિયાબજારમાં આવેલી ગણદેવીકર જ્વેલર્સ શો રૂમનાં ગત રાતે તાળાં તોડવાનો તસ્કરોએ પ્રયાસ કર્યો હતો. જોકે તેમાં સફળતા મળી ન હતી. તમામ મતા સલામત હોવાથી જ્વેલર્સના માલિકે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.