૭૧ની ઉંમરે ૧૫ વાર ફ્રેકચર છતાં ૬૫ હજાર કિલોમીટરની યાત્રા

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવિધ હાઈવે પર અડધોઅધ વૃક્ષોનું નિકંદન કરાયું શ્રીનગરથી બારતાલના રસ્તે વૃક્ષોનો સફાયો આ વર્ષે ગુજરાત, રાજેસ્થાન, પંજાબ અને કાશમીર સહિત ઉત્તર ભારતમાં બધે જ રસ્તાના વિકાસની કામગીરીના નામે લાખો વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. સાત વર્ષ પહેલા હાઈવે પર સહેજસાજ તકલીફ સહીને અમરનાથ પહોંચી જવાતું હતું આજે વૃક્ષો વિના કપરી ગરમીને કારણે યાત્રીઓને ચાલવું દુષ્કર સાબિત થઈ રહ્યું છે. આ શબ્દો છે તાજેતરમાં જ સાતમી વાર પગપાળા બાબા બફૉનીના દર્શન કરીને પરત ફરેલા શહેરના ૭૧ વર્ષીય વલ્લભભાઈ ચુડાસમાના. તેઓ છેલ્લા આઠ વર્ષમાં ૬૫,૦૦૦થી વધુ કિમીની વિવિધ પદયાત્રાઓ કરી ચૂક્યાં છે. વર્ષમાં માત્ર એક મહિનો જ વડોદરામાં રહેતાં વલ્લભભાઈ કહે છે કે, અમરનાથયાત્રાના રૂટ પર આ વર્ષે મેં તમામ રાજ્યોમાં રસ્તાઓના વિસ્તૃતીકરણની ઠેર ઠેર થતી કામગીરી જોઈ હતી. અગાઉના વર્ષોમાં જે રસ્તાઓ પર કિલોમીટર દીઠ ૩,૮૦૦થી ૪,૦૦૦ વૃક્ષો હતાં ત્યાં સંખ્યા ઘટીને ૨,૦૦૦ થઈ ગયા છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં તો વૃક્ષોનો સફાયો જ કરવામાં આવ્યો છે. પરિણામે પદયાત્રીઓને માટે છાંયો શોધવો દુષ્કર થઈ ગયો છે. વૃક્ષોને પ્રકૃતિનો પાયો ગણાવતા તેઓ કહે છે કે, શ્રીનગરથી બાલતાલ જવાના રસ્તે રસ્તાની બંને બાજુ ઊંચા વૃક્ષો હજી પાંચ-સાત વર્ષ અગાઉ જોવા મળતાં હતા હવે અડધા રસ્તા સુધી શબ્દશ: સફાયો થયેલો જોવા મળે છે. અગાઉ વૃક્ષોના સથવારે સવારે અગિયારથી બાર વાગ્યા સુધી આસાનીથી ચાલી શકતો હતો પણ હવે ઘટતા વૃક્ષો અને વાહનોની પણ હાઈવે પર ભરમારથી ચાલવું દુષ્કર બન્યું છે. મુખ્યમંત્રી અને વન વિભાગને અરજી કરશે વલ્લભભાઈ વૃક્ષોના આડેધડ થતાં નિકંદનથી ખૂબ જ વ્યથિત છે. તેઓ કહે છે કે જો સરકાર દેશના ૬૩,૦૦૦ કિમીની લંબાઈના હાઈવે પરથી માત્ર ૫૦,૦૦૦ કિમીના રસ્તા પર વૃક્ષોનો ઉછેર કરે તો રસ્તાની બંને બાજુ કિમી દીઠ ૪,૦૦૦ વૃક્ષોના હિસાબે ૨૦ કરોડ વૃક્ષો ઉછેરી શકે તેમ છે. વૃક્ષોના ઉછેર અંગે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી અને વનવિભાગને પણ આવેદનપત્ર પાઠવશે તેમ તેમણે જણાવ્યું હતું. ૧૫ વાર ફ્રેકચર ! વડોદરાથી ૭ વાર અમરનાથયાત્રા, ૧૫ વાર અંબાજીયાત્રા, ૧૧ વાર દ્વારકાની પદયાત્રા કરી ૪૦ તીર્થધામો અને ૪ મઠોની મુલાકાત લેવાનો દાવો કરનાર વલ્લભભાઈની યાત્રાઓ આસાન રહી નથી. તેમને યાત્રાઓ દરમિયાન ૧૫ જેટલા ફ્રેકચર થયાં છે. રાજસ્થાનમાં ફોર વ્હીલરની ટક્કર વાગતા તેમના જમણા હાથે ફ્રેકચર થયું હતું.