• Gujarati News
  • 63 Villages Still Lack The 108 Emergency Service In Vadodara

વડોદરાનાં ૬૩ ગામોમાં હજુ પણ ૧૦૮ ઇમર્જન્સી સેવાનો અભાવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-જીવીકે ઈમર્જન્સી મેનેજમેન્ટ અને રિસર્ચ ઈિન્સ્ટટયૂટ દ્વારા સર્વે કરાયો
-મે-જૂન માસમાં આવાં ગામોની સંખ્યા ઝાઝી હોઈ જાગૃતિ માટે વિશેષ આયોજન હાથ ધરાયું હતું

કોઈ પણ દર્દીને તેના ઘરઆંગણે જ તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે તે હેતુથી ૧૦૮ની સેવા શરૂ કરવામાં આવી. આ સેવા વર્ષ સમગ્ર ગુજરાતમાં ૨૦૦૭થી શરૂ કરવામાં આવી છે. જોકે, વડોદરામાં વિવિધ નવ તાલુકાનાં ૬૩ જેટલાં ગામો એવાં છે કે જ્યાંથી ઈમર્જન્સી સેવા માટે કોઈ કોલ જ નથી આવ્યો. અલબત્ત, એવું નથી કે આ ગામોમાં ઈમર્જન્સી સારવાર માટેની ઘટનાઓ બનતી નથી હોતી.

એક માહિ‌તી અનુસાર, ચાલુ વર્ષે મે-જૂન માસ દરમ્યાન જીવીકે ઈમર્જન્સી મેનેજમેન્ટ અને રિસર્ચ ઈિન્સ્ટટયૂટ દ્વારા આ બાબતને લઈને એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં જિલ્લાનાં ૨૦૦ ગામો એવાં હતાં કે જ્યાં ૧૦૮ ઈમર્જન્સી સેવાની ફ્રિકવન્સી બહુ જ ઓછી જોવા મળી હતી. આ અંગે તુરંત જ વડોદરા વિભાગ દ્વારા જાગૃતિ આણવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

૧૦૮ ઈમર્જન્સી સેવાનો ઉપયોગ ન લેવા પાછળ એવું નથી કે આ લોકોને તેની જરૂર પડતી નથી. પરંતુ ઘણી વખત કાં તો તેઓ પોતાના પ્રાઈવેટ વેહિ‌કલ લઈને જતા હોય અથવા તો એ જૂની અને જડ સારવારો લેતા હોય છે. જેમાં ખાસ તો પ્રેગનન્સી દરમ્યાન દાયણોનો જ ઉપયોગ કરતા હોય છે. જાગૃતિ જ્યાં નથી તેવાં એવાં જ ગામો છે કે જ્યાં ગામ કાં તો ખૂબ જ અંદર આવેલું હોય, મોબાઈલ નેટવર્કનો પ્રોબ્લેમ, રોડ-રસ્તાઓ ખરાબ ઉપરાંત વસ્તી ઓછી હોઈ માઈગ્રેશન જેવાં કારણો પણ આ માટે આગળ ધરવામાં આવી રહ્યાં છે.

વધુમાં વધુ જાગૃતિ આવે તે માટે પ્રયત્નશીલ
મે-જૂનમાં સર્વે હાથ ધરવામાં આવ્યા બાદ અમો લોકો હાલમાં જિલ્લાના દરેક તાલુકા અને ગામોમાં ફ્રિકવન્સી વધે, લોકોમાં ઈમર્જન્સી સેવા માટે જાગૃતિ આવે તે માટે ખૂબ જ પ્રયત્નશીલ બન્યા છે. આ માટે આંગણવાડી કાર્યકરો, આશાવર્કરો, એફએચડબ્લ્યુ કાર્યકરો પણ ગામે ગામ જઈને સરકારની સુ્વિધાઓ વિશે જાણકારી આપી રહ્યા છે. અને આ સુવિધાનો લાભ લે તેવા પ્રયત્નો કરી રહ્યા છે.
કેયૂર શાહ, પ્રોજેકટ મેનેજર, ૧૦૮

કયા તાલુકાનાં કેટલાં ગામો
તાલુકાનું નામ ગામની સંખ્યા

નસવાડી ૩૦, પાવી જેતપુર ૧૩, ડભોઈ ૬, છોટા ઉદેપુર પ
કવાંટ ૩, સાવલી ૩, કરજણ ૧, વડોદરા સિટી ૧, વાઘોડિયા ૧