૪ માળના બિલ્ડિંગનો ગેરકાયદે બાંધકામવાળો ભાગ તોડી પડાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ત્રીજા અને ચોથા માળે બાંધકામની પરવાનગી જ ન હતી
-અધ્યારુની પોળ પાસે પાર્કિગ-સેટબેક છોડયા વગર દુકાન બનાવી દીધી

શહેરના સૌથી ગીચ વિસ્તાર એવા ચાર દરવાજા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામવાળી બિલ્ડિંગનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે ઘડિયાળી પોળમાં ચાર મજલી બિલ્ડિંગના ગેરકાયદે બાંધકામવાળો ભાગ સેવાસદને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

સેવાસદનની દબાણ શાખાએ મંગળવારે ટાઉન પ્લાનીંગ વિભાગના અધિકારીઓને સાથે રાખી ઉપરોક્ત બિલ્ડિંગના ગેરકાયદે ભાગ તોડી પાડવા માટે સુલતાનપુરાના નાકે ઘસી ગઇ હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્રણ વર્ષ પહેલા બંધાયેલી બિલ્ડિંગના ત્રીજા અને ચોથા માળ(ટેરેસ)ના બાંધકામની પરવાનગી જ લેવામાં આવી ન હતી અને ત્યાં દુકાનો બનાવાઇ હતી.

આ સિવાય, પહેલા માળે રહેણાંક માટે પરવાનગી લઇને ત્યાં દુકાનો બનાવી દેવામાં આવી હતી. મંગળવારે સેવાસદને આ બિલ્ડિંગનો ત્રીજો અને ચોથો માળ તોડી પાડવાની કવાયત આદરી હતી અને હજુ પણ કામગીરી ચાલુ રહેશે ત્યારે આગામી દિવસોમાં ચાર દરવાજા વિસ્તારની અન્ય ગેરકાયદે બાંધકામવાળી બિલ્ડિંગ તરફ પણ સેવાસદનનો ડોળો આવે તેવી શકયતા બિલકુલ નકારી શકાતી નથી.