3333 નંબર માટે જીપ માલિકે રૂ.33,339 ચૂકવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં પોતાની 3333 નંબરની જીપ સાથે માલિક)
- 3333 નંબર માટે જીપ માલિકે રૂ.33,339 ચૂકવ્યા
- નંબર પસંદગી પ્રક્રિયામાં 178 વ્યક્તિઓએ ભાગ લીધો, આરટીઓને રૂ.11.50 લાખથી વધુની આવક
- વાહનના પસંદગીના નંબર હરાજી યોજાઈ
વડોદરા : આરટીઓ દ્વારા ફોર વ્હીલર માટેની નવી એચએસ નંબર સિરીઝ માટે તાજેતરમાં બોલાવાયેલી હરાજીમાં શહેરના યુવાને પોતાની મહિન્દ્રા સ્પોર્ટસ જીપ માટે પસંદગીનો નંબર 3333 મેળવવા માટે રૂ.33,339 ચુકવ્યા હતા. આ નંબર પસંદગીની પ્રક્રિયા માટે શહેરના 178 જેટલી વ્યક્તિઓએ અરજી કરી હતી અને પોતાની પસંદગીના નંબર મેળવ્યા હતા. આરટીઓને નંબર પસંદગીની સમગ્ર પ્રક્રિયામાં સાડા અગિયાર લાખથી વધુ રકમની આવક થઇ હતી.

વડોદરા આરટીઓ દ્વારા તાજેતરમાં ફોર વ્હીલર માટે પસંદગીનો નંબર મેળવવા માટે પ્રક્રિયા યોજવામાં આવી હતી. આ પ્રક્રિયામાં શહેરના યુવાન પારિતોષ જયસ્વાલે પોતાની મહિન્દ્રા સ્પોર્ટથાર જીપ માટે પસંદગીનો નંબર 3333 મેળવવા માટે રૂ.33,339 ચૂકવ્યા હતા. આ નંબર હરાજી પ્રક્રિયામાં પારિતોષ જયસ્વાલે પોતાની અન્ય એક કાર ઇઓન હ્યુન્ડાઇ માટે પણ પસંદગીનો નંબર 7777 મેળવવા માટે રૂ.13,333 ચૂકવ્યા હતા.

આ ઉપરાંત વિવિધ પસંદગીના નંબરો મેળવવા માટે ઇચ્છુક અરજદારોએ રૂ.5,000થી માંડીને રૂ.25,000 સુધીની રકમ ચૂકવી હતી, જેના કારણે આરટીઓને રૂ.11,54,670 ની આવક થઇ હતી. જયારે પણ નવી નંબર સિરીઝ ખૂલે ત્યારે પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા નાગરિકો માટે આરટીઓ દ્વારા આ પ્રકારે હરાજીની પ્રક્રિયા કરવામાં આવે છે. ઘણાં લોકો પોતાના વાહનનો નંબર અલગ તરી આવે તેમ ઇચ્છતા હોય છે અને આવો શોખ પણ ધરાવતા હોય છે.

પસંદગીના નંબર માટેની પ્રક્રિયામાં ભાગ લઇને તેઓ પોતાની ઇચ્છા મુજબનો નંબર મેળવી શકતા હોય છે. એઆરટીઓ વી.ડી.જેઠવાએ જણાવ્યું હતું કે, આ પ્રક્રિયાથી લોકોને પસંદગીનો નંબર મળે છે અને આરટીઓને પણ ફાયદો થાય છે. પારદર્શક રીતે સમગ્ર પ્રક્રિયા કરાય છે તેમ તેમણે જણાવ્યું હતું.
સરખા નંબર ધરાવતાં 10 વાહનો
મોબાઇલ શોપ અને રિઅલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા શહેરના પારિતોષ જયસ્વાલ ન્યૂમેરોલોજીમાં ગજબનો વિશ્વાસ ધરાવે છે. પિતા કનુભાઇ જયસ્વાલ પાસેથી વારસામાં આ શોખ મેળવનાર પારિતોષ જયસ્વાલ પાસે એક સરખા નંબરો ધરાવતા 10 વાહનો છે. તાજેતરમાં તેમણે મહિન્દ્રા સ્પોર્ટસ જીપ અને ત્રણ ઇઓન કાર સહિત ચાર નવા વાહનો ખરીદ્યા હતા.

જેમાં તેમણે એક સરખા નંબર મેળવ્યા છે. ભૂતકાળમાં તેમણે પોતાની ફોર્ચ્યુનર કાર, હ્યુન્ડાઇ વર્ના કાર, બ્રીઓ અને હોન્ડા સીટી તથા બાઇક માટે પણ એક સરખા નંબર ખરીદ્યા હતા. તેમના પિતા પણ આ પ્રકારનો શોખ ધરાવતા હોવાથી તેઓ પણ વાહનોના નંબર એક સરખા જ પસંદ કરતા હતા અને આ પરંપરા મુજબ હાલમાં પારિતોષ જયસ્વાલે 33મા વાહનનો પસંદગીનો નંબર મેળવ્યો હતો.

વાહન માલિક નંબર રકમ
પારિતોષ જયસ્વાલ 3333 રૂ.33,339
મહેબુબભાઇ 1111 રૂ.30,000
વિમલ ફાયર કંન્ટ્રોલ્સ પ્રા.લિ 2727 રૂ.27,000
પૂર્વી 5555 રૂ.25,555
સત્યેન્દ્રભાઇ 0777 રૂ.25,000