વાઘોડિયાના ગણેશપુરામાં ૨૩ લાખની માટી વગે કરી દેવાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટેટ ભૂસ્તર વિભાગના દરોડામાં માટીના ગેરકાયદે ખોદકામનું કૌભાંડ ઝડપાયું
વગે કરનાર સરપંચ-તલાટી સહિ‌ત પાંચ સામે ફરિયાદ
માટી વગે કરવાનું વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું હોવાનો ખુલાસો
વાઘોડિયાના ગણેશપુરા ગામે ખાણ અને ખનીજ વિભાગની સ્ટેટ વિજિલન્સે સરકારી જમીનમાંથી ગેરકાયદે માટી ખોદકામનું કૌભાંડ ઝડપી પાડયું હતું. સરકારી જમીનમાંથી ૨૩ લાખની કિંમતની ૩૪ હજાર મેટ્રિક ટન માટી વગે કરનાર સરપંચ-તલાટી સહિ‌ત પાંચ સામે ભૂસ્તર વિભાગના અધિકારીએ ફરિયાદ નોંધાવતાં વાઘોડિયા પોલીસે ગુનો નોંધી ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
વડોદરા જિલ્લામાં સરકારી જમીનોમાંથી માટીનું ખોદકામ કરવાનું વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે. વાઘોડિયાના ગણેશપુરા ગામની સરકારી જમીનમાંથી માટીનું ગેરકાયદે ખોદકામ કરાતું હોવાની ફરિયાદ મળતાં ખાણ અને ખનીજ વિભાગની સ્ટેટ વિજિલન્સે ગત ૨૬મીએ દરોડો પાડયો હતો.
પ્રાથમિક તપાસમાં ગામના સરપંચ અને તલાટીના મેળાપીપણામાં વાઘોડિયાના આસોજ ગામનો કોન્ટ્રાકટર જતીન પટેલ સરકારી જમીનમાંથી માટીનું ગેરકાયદે ખોદકામ કરતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. કોન્ટ્રાક્ટરે સરકારી જમીનમાંથી ૨૩,૦૩,૯૯૪ ની કિંમતની ૩૪ હજાર મિેટ્રક ટન માટી વગે કરી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
જેના પગલે કુબેરભુવન સ્થિત ભૂસ્તરશાસ્ત્રની કચેરીના માઇન્સ સુપરવાઇઝર એ.એમ. ગોસ્વામીએ ગઇ કાલે ગણેશપુરાના સરપંચ, તલાટી, માટી ખોદકામ કરવાના મશીનના માલિક ભાયા નાગજી કંડોરિયા (રહે.સુરત) , મશીનના ડ્રાઇવર સહમતઅલી અબ્દુલ ઝબ્બાર અંસારી( રહે. ડહોલી) અને કોન્ટ્રાક્ટર જતીન ડાહ્યાભાઇ પટેલ( રહે. આસોજ, વાઘોડિયા) સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તમામની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.