મોટા બિલ્ડરોની 22 ફાઈલો નામંજૂર થઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભૂલના કારણે થતું ૧૨પ કરોડનું નુકસાન અટકાવ્યું
- જમીન નવી શરતની હોવાનું જણાતાં નામંજૂર કરાઈ

રેવન્યૂ રેર્કોડમાં જૂની શરતે ચાલતી જમીનો હકીકતમાં નવી શરતની હોય સરકારને જઈ રહેલાં કરોડો રૂપિયાના પ્રિમિયમના નુકસાનને અટકાવવા માટે કલેકટર દ્વારા શહેરના મોટા માથા ગણાતા બિલ્ડરોની ૨૨ ફાઈલો નામંજૂર કરવાનો આદેશ આપ્યો છે. છેલ્લા એક વર્ષ દરમ્યાન આપવામાં આવેલા આ આદેશમાં સરકારને થતું રૂા. ૧૨પ કરોડનું પ્રિમિયમનું નુકસાન અટકાવવામાં આવ્યું છે. આ તમામ ફાઈલો એન.એ. માટે રજૂ કરવામાં આવી હતી. જ્યાં તંત્રની તકેદારીના કારણે જંગી નુકસાન અટકી શક્યું હતું.

સામાન્ય રીતે જૂની શરતની જમીનોને માત્ર રૂપાંતર કરની રકમ લઈ બિનખેતીમાં તબદિલ કરી આપવામાં આવતી હોય છે. જ્યારે નવી શરતની જમીન માટે પહેલાં સરકારને જંત્રીના નક્કી કરેલા ટકા મુજબ પ્રિમિયમ ચુકવ્યા બાદ તેને બિનખેતીની પરવાનગી આપવામાં આવતી હોય છે.

પરંતું છેલ્લા એક વર્ષ દરમ્યાન રેવન્યૂ રેકર્ડોમાં જૂની શરતે ચાલતી જમીનોની એન.એ. પરવાનગી આપવાની પ્રક્રિયા દરમ્યાન આ જમીનો નવી શરતની હોવાનું સામે આવ્યું હતું. રેવન્યૂ રેર્કોડમાં રહી ગયેલી ખામીના કારણે સામે આવેલી આ ભૂલ તંત્રએ બારીકાઈથી ઝડપી પાડી કલેકટરે શહેરના મોટા માથા ગણાતા બિલ્ડરો અને જમીન માલિકોને ૨૨ જમીનોની એન.એ. અરજી નામંજૂર કરી દીધી છે. કલેકટરના આ નિર્ણયના કારણે સરકારને રૂા. ૧૨પ કરોડના પ્રિમિયમનો ફાયદો થશે તેવું કલેકટર વિનોદ રાવે જણાવ્યું હતું.

દૂમાલા નાબુદી ધારાનો અમલ

મહેસુલી કાયદાની જોગવાઈ પરચૂરણ દૂમાલા નાબુદી ધારા હેઠળ આવતા દેવસ્થાન, જાગીરી, ઈનામી અને આંકડીયા પ્રકારની જમીનોમાં નવી શરતના નિયંત્રણો પણ લાગુ પડી શકે છે. જેની તંત્રના અધિકારીઓ દ્વારા યોગ્ય ચકાસણી કરી રેવન્યૂ રેર્કોડમાં તેનો સુધારો કરવામાં આવ્યો નહતો. જેના કારણે આજે પણ જૂની શરતે ચાલી રહેલી જમીનોથી આ મુશ્કેલી ઊભી થઈ હતી.

દલાલ બની કલેકટરને મળ્યો

સામાન્ય રીતે તલાટીએ કલેકટરના તાબા હેઠળનો કર્મચારી ગણાતો હોય છે. પરંતુ શેરખીની જમીનમાં કલેકટરે પ્રિમિયમનો આદેશ કરતા અગાઉ ગોત્રીમાં ફરજ બજાવતા એક તલાટી બિલ્ડર સાથે એક દલાલ તરીકે કલેકટરને મળવા પહોંચી ગયા હતા. આ જમીન માટે કલેકટર સાથે ચર્ચા દરમ્યાન તે તલાટી હોવાની ખબર પડતા કલેકટરે તેની બીજા દિવસે જ પૂર્વપટ્ટીમાં બદલી કરી દીધી હતી.

6 ગામના રેર્કોડ સુધારવાનું શરૂ

રેવન્યૂ રેર્કોડમાં સુધારો કરવાનો રહી જતાં નવી શરતની જમીનો આજે પણ જૂની શરતે ચાલી રહી છે. જેના કારણે સરકારને પ્રિમિયમના થઈ શકનાર સંભવિત નુકસાનને અટકાવવા માટે કલેકટરે અટલાદરા, હરણી, છાણી, ગોરવા, તાંદલજા અને શેરખીની તમામ હક્કપત્રક નોંધોની ચકાસણીનો આદેશ કર્યો છે. તપાસમાં હરણીમાં ૩૦ અને અટલાદરાની ૪ જમીનો નવી શરતની હોવાનું સામે આવ્યું છે.

રૂપિયા દંડની ૨૦ ફાઈલો અટકી

જૂની શરતની જમીન નવી શરતની હોવાનું જણાતા આ જમીનોની એન.એ.ની અરજી રદ કરવા સાથે આ તમામ જમીનોમાં નવી શરતના નિયંત્રણો લાગુ કરવાનો આદેશ કલેકટરે આપ્યો છે. ગણોતધારાના કાયદાના અમલ પૂર્વે થયેલા વેચાણ વ્યવહારોને કાયદેસર કરવા માટે થયેલા રૂપિયા દંડના સર્ટિ‌ફિકેટની ૨૦ ફાઈલો પણ ચકાસણી માટે અટકાવવામાં આવી હોવાનું કલેકટરે જણાવ્યું હતું.