કમાટીબાગ સુગમ પાર્લર પાસેથી ૨ મોબાઇલ ચોરાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બે પ્રવાસીઓ ગઠિયાનો ભોગ બન્યા
- અમદાવાદ અને મુંબઈના રહીશોના ૪૧ હજારના મોબાઈલની ચોરી

કમાટીબાગ સુગમ પાર્લર પાસે મુંબઇના પ્રોફેસર અને અમદાવાદના વેપારીના ખિસ્સામાંથી મોબાઇલની ચોરી થઇ ગઇ હતી. બંને પ્રવાસીએ મોબાઇલચોરીની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ચોરટોળકીની શોધખોળ શરૂ કરી છે. વેકેશનના સમયમાં કમાટીબાગમાં પ્રવાસીઓનો ધસારો વધતાં મોબાઇલચોર ટોળકી પણ સક્રિય બની છે. શનિવારે કમાટીબાગમાં ફરવા આવેલા બે પ્રવાસીના ખિસ્સામાંથી મોંઘાદાટ મોબાઇલની ચોરીના બનાવ સયાજીગંજ પોલીસના ચોપડે નોંધાયા છે. મુંબઇના આઇઆઇટી પવઇ સ્થિત અનંતા બિલ્ડિંગમાં રહેતા અને કમ્પ્યૂટર વિષયના પ્રોફેસર શરદભાઇ પરમેશ્વરમ્ શનિવારે પરિવાર સાથે કમાટીબાગમાં ફરવા માટે આવ્યા હતા.
સાંજે સવા સાત વાગ્યાના સુમારે તેઓ સુગમ પાર્લર પાસે ખરીદી માટે જતાં ગઠિયાએ તેમની નજર ચૂકવી ખિસ્સામાંથી મોબાઇલ સેરવી લીધો હતો. ૨પ હજારની કિંમતના મોબાઇલની ચોરીની તેમણે સયાજીગંજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. મોબાઇલચોરીના બીજા બનાવમાં અમદાવાદ વસ્ત્રાલના મહાદેવ ટેકરા સ્થિત ગણેશપાર્કમાં રહેતા અને દરજીકામ કરતા નીલેશ ઘનશ્યામભાઇ દરજી પણ શનિવારે કમાટીબાગમાં ફરવા ગયા હતા. સાંજે પોણા સાત વાગે તેઓ સુગમ પાર્લર પાસે પાણીની બોટલ લેવા જતાં તસ્કરે તેમના ખિસ્સામાંથી ૧૬ હજારની કિંમતના મોબાઇલની ચોરી કરી રફુચક્કર થઇ ગયો હતો. બે પ્રવાસીના મોબાઇલની ચોરી અંગે સયાજીગંજ પોલીસે ગુનો નોંધી ટોળકીની શોધખોળ શરૂ કરી છે.

બરાનપુરામાં ઘરની બારીમાં હાથ નાખી મોબાઇલની ચોરી
બરાનપુરા શિવાજી ચોક સ્થિત ચુનારાવાસમાં રહેતા વિશાલ ગોપાલભાઇ ચુનારા ગત ૧૩મી મેના રોજ સવારે ઘરમાં સૂઇ રહ્યા હતા ત્યારે ઘરની બારી પાસે મૂકેલો મોબાઇલ ગઠિયો બારીમાં હાથ નાખી ચોરી ગયો હતો. રૂા. પ હજારની કિંમતના મોબાઇલની ચોરી અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.