અખાત્રીજે શુભ કાર્યોની ભરમાર: ૧૨ કરોડનું સોનું-ચાંદી વેચાયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વણજોયું મુહૂર્ત: ઠેરઠેર લગ્ન સમારંભોની ધૂમ : ખાતમુહૂર્ત, વાસ્તુ, ઉદ્ઘાટન જેવાં શુભ કાર્યો યોજાયાં : જ્વેલરી બજારમાં ધસારો

શુભ કાર્યો માટે વણજોયા મુહૂર્ત તરીકે ઓળખાતું અખાત્રીજનું પવિત્ર પર્વ ઉજવાયું હતું. ૩ વર્ષ બાદ દોષરહિ‌ત અખાત્રીજનું પર્વ આવતાં શહેર-જિલ્લામાં લગ્નઆદિ માંગલિક કાર્યોની ભરમાર રહી હતી. અખાત્રીજ પર્વે ગત વર્ષ કરતાં સોના-ચાંદીના ભાવમાં કડાકો રહ્યો હોવા છતાં ઝવેરી બજારમાં ખરીદીની ચમક ધારણા કરતાં ઘણી ઓછી રહી હતી. આજે અંદાજે ૧૦ કરોડના સોનાનું અને ૨ કરોડની ચાંદીનું વેચાણ થયું હતું.

આજના આ પવિત્ર પર્વે ધૂમ લગ્નો,ખાતમુહૂર્ત, વાસ્તુ, ઉદ્ઘાટન જેવા શુભ કાર્યોની ભરમાર રહી હતી. અખાત્રીજ પર્વે લગ્નોનાં અનેક આયોજનોને લઇ વાડીઓ, પાર્ટી પ્લોટ, અતિથિ ગૃહોમાં દિવસ-રાત લગ્નોનો ધમધમાટ જોવા મળ્યો. માર્ગો ઉપર લગ્નોના વરઘોડાનું આકર્ષણ રહ્યું હતું.

શહેરી જનોએ સોનાના દાગીના, સોનાની લગડી તેમજ ચાંદીની ઘરેણાં-લગડીની ખરીદી કરી હતી. દાગીના અને લગડીની ખરીદીમાં પ૦-પ૦%નો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. છેલ્લા એક મહિ‌નાથી સોના-ચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો હોવા છતાં આજે ખરીદી માટે ગ્રાહકોનો ધસારો અપેક્ષા કરતાં ખૂબ જ ઓછો રહ્યો હતો. તેમ છતાં આજે અંદાજે ૧૦ કરોડનું સોનું વેચાયું હતું. જ્યારે ૨ કરોડની ચાંદી વેચાઇ હતી.

ગત વર્ષે સોનાની ૧૦ ગ્રામની લગડીનો ભાવ ૩૦ હજારની આસપાસ હતો. આ વર્ષે ૨૭,૬૦૦ ભાવ હતો. જ્યારે ૧૦ ગ્રામ દાગીનાનો ભાવ ગત વર્ષે ૨૯,પ૦૦ અને આ વર્ષે ૨૬,૧૦૦ રહ્યો હતો. તેમ છતાં ઘટેલા ભાવમાં ઓછી ખરીદી થતાં વેપારીઓને આશ્ચર્ય થયું હતું.

- વાહનોના શો-રૂમમાં ધમધમાટ

ઓટોમોબાઇલમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. આ પવિત્ર મુહૂર્તમાં નવાં વેહિ‌કલ્સ ખરીદવાનો ટ્રેન્ડ હોઇ આજે શહેરમાં આવેલા શો રૂમ્સમાંથી પ૦૦ થી વધુ બાઇક-સ્કૂટર તેમજ ૧૦૦ થી વધુ કારનું વેચાણ થયું હતું.

- બુલિયન માર્કેટમાં મંદીની શક્યતા

અખાત્રીજે અનફિક્સના સોદા ઉપર પ્રતિબંધના નિર્ણયથી બુલિયન માર્કેટમાં ઉછાળો આવ્યો હતો. બાદમાં માર્કેટ સ્થિર થતાં ભાવ કંટ્રોલમાં રહ્યા હતા.
- નવીન સોની, બુલિયન મર્ચન્ટ