પાણી વાપરશો કે નહિ‌, રૂ. ૧૦૦૦ વર્ષે ફરજિયાત ભરવા પડશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાણીનાં જોડાણો પર મીટર લગાડવા માટે પોલિસી ઘડાઈ
આગામી ૩ વર્ષમાં શહેરના તમામ પાણીના જોડાણો પર મીટર લગાડી દેવાશે
પાણીના વપરાશનો સચોટ ખ્યાલ આવશે અને વેડફાટ ઘટશે
૧ એપ્રિલથી મીટર બેસાડયા પછી મુખ્ય લાઇન સાથે જોડાણની મંજૂરી અપાશે


શહેરમાં પાણીના વપરાશ મુજબ ચાર્જ વસૂલ કરવા માટે સેવાસદનના બજેટમાં અપાયેલી મંજૂરી પરત્વે વોટર મીટર પોલિસી બનાવીને તેને બહાલી માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

વડોદરા મહાનગર સેવાસદનના પાણી પુરવઠા વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દૈનિક સાડા આઠ કરોડ ગેલન પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. સેવાસદનના તાજેતરના બજેટમાં પાણીચાર્જ ૮પ૦ થી વધારીને ૧ હજાર રૂપિયા વાર્ષિ‌ક કરવામાં આવ્યો હતો. જોકે, આ ચાર્જ રહેણાકમાં અડધા ઇંચના જોડાણ માટે ફિક્સ છે અને દરેક કનેકશન સાઇઝ માટે ફિકસ દર છે. આ સંજોગોમાં, વીજમીટર અને ગેસ મીટરની માફક વાર્ષિ‌ક મિનિમમ યુઝર ચાર્જ અને વોલ્યુમેટ્રિક ચાર્જ પૈકી જે વધુ હોય તે મુજબ વપરાશકર્તા પાસેથી વસૂલ કરવાની ભલામણ કરવામાં આવી છે.

મીટર પોલીસી અંતર્ગત પ્રથમ તબક્કામાં માત્ર કોમર્શિ‌યલ, ઔદ્યોગિક પાણીનાં જોડાણો ઉપર વોટર મીટર બેસાડવાની ભલામણ કરવામાં આવી છે.શહેરમાં આવાં જોડાણોની સંખ્યા પાંચ હજારની છે. જ્યારે રહેણાક વિસ્તારમાં વોટર મીટર ઇન્સ્ટોલ કરાવીને નિયત કરાયેલા દરો મુજબ વસૂલ કરવાની કાર્યવાહી શરૂ થતાં સહેજે છ મહિ‌ના જેટલો સમય લાગશે અને સમગ્ર શહેરને આવરી લેતાં ત્રણ વર્ષના સમયનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.

વોટર પોલિસીની કેમ જરૂર પડી?

પાણી વિતરણ ખર્ચની ૧૦૦ ટકા રિકવરી કરવા માટે કેન્દ્ર-રાજ્ય સરકાર અને સેવાસદનનો કરાર છે. જે મુજબ સેવાસદનના રૂા ૨૪.૩૬ કરોડના હિ‌સ્સાની સામે રૂા.પ૧.૧૧ કરોડ ભોગવવાની થાય છે. નૂર્મ યોજનામાં ઘરગથ્થુ વોટર મીટર ખરીદી-ફિકિસંગનો સમાવેશ કરેલો છે ત્યારે ગ્રાહકો પાસેથી વસૂલાત કરવામાં આવે તો સેવાસદન ઉપર આર્થિ‌ક બોજામાં રાહત થઇ શકે છે.તે માટે આ પોલીસ ઘડાઇ છે.

પહેલા તબક્કામાં શું ?

મીટરનો તમામ ખર્ચો વપરાશકર્તા પાસેથી વસૂલાશે
કોમર્શિ‌યલ અને ઔદ્યોગિક કનેકશનોવોટર મીટર બેસાડાશે
સયાજીપુરા, છાણી, કપૂરાઇમાં મીટર લગાવીને જ જોડાણો અપાશે
આજવા રોડ પર સેવાસદન જ મીટર બેસાડશે
સરકારી યોજનાઓ અને બહુમાળી ઇમારતો, કોમ્પ્લેકસમાં સંપમાં આપવામાં આવેલાં જોડાણો ઉપર મીટર બેસાડાશે

બીજા તબક્કામાં શું?

રહેણાક હેતુસરના અડધા અને તેનાથી વધુ સાઇઝનાં તમામ કનેકશનો ઉપર મીટર બેસાડાશે
દરેક રહેણાકને અડધાનું કનેકશન આપવાનું રહેશે. વધારાના જોડાણ માટે ડબલ પાણી ચાર્જ લેવાશે
મીટર નિભાવણી કોન્ટ્રાકટ માટે એક કરતાં વધુ ઇજારદારને કામ સોંપવાની ભલામણ કરાઈ છે
૧૦ ટકા વધુ મુજબના ચાર્જ મીટર ખરીદી,ફિક્સિંગ ચાર્જ(બોકસ સાથે) નિભાવ માટે લેવાશે.