તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરાના 4 સિનિયર સિટીઝન્સ ૧પ દિવસ પાકિસ્તાનમાં સાઈકલ ફેરવશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શહેરના સિનિયર સિટિઝન્સના પ્રેરણારૂપ પ્રવાસમાં અમદાવાદથી પણ એક વડીલ જોડાશે

સાહસ એ યુવાનીનો સ્વભાવ હોય છે પણ વડોદરામાં આ સ્વભાવ દાખવવામાં સિનિયર સિટિઝન્સ પણ પાછળ નથી. શહેરના ચાર સિનિયર સિટિઝન્સ પાકિસ્તાનમાં ૧પ દિવસનો સાઈકલ પ્રવાસ કરશે. દિલ્હી યુનિવર્સિ‌ટીના વિદ્યાર્થીઓએ બંને દેશોમાં શાંતિ ફેલાવવાના હેતુથી 'લવ યોર નેબર’ (પાડોશીને પ્રેમ કરો)ના સૂત્ર હેઠળ પાડોશી દેશ પાકિસ્તાનમાં આ સાઈકલ પ્રવાસનું આયોજન કર્યું છે. તેમના આ પ્રયાસમાં રાજસ્થાન અને કેરલની કેટલીક યુનિવર્સિ‌ટીઓના વિદ્યાર્થીઓએ પણ પોતાનો ટેકો જાહેર કર્યો છે.

આ સાઈકલ પ્રવાસમાં વડોદરાથી ડો. ભગવતીબહેન ઓઝા (ઉવ.૭૭), બંકિમભાઈ પટેલ (ઉવ.૭પ), વાસુભાઈ પાઠક (ઉવ.૬પ) અને શનાભાઈ પઢિયાર (ઉવ.૬૨) ભાગ લેશે. તેઓ આગામી ૧૬મી જુલાઈથી પહેલા તબક્કામાં દિલ્હી માટે પ્રયાણ કરશે. વડોદરાથી અમદાવાદ- ગાંધીનગર થઈને દિલ્હી જશે. અમદાવાદથી નાનુભાઈ વૈદ્ય નામના સિનિયર સિટિઝન પણ જોડાશે. ગત મહિ‌ને કન્યાકુમારીથી પાકિસ્તાનનો પ્રવાસ કરવા કેટલાક સાઈક્લિસ્ટ નિકળ્યાં છે. આ સાયકલિસ્ટો ૧પમી જુલાઈના રોજ મોડી સાંજે વડોદરા આવશે. વડોદરાથી બીજા દિવસે પાંચ સિનિયર સિટીઝન સાઈકલિસ્ટ જોડાશે.

આ પ્રવાસ વિશે માહિ‌તી આપતાં ડો. ભગવતીબહેન ઓઝાએ જણાવ્યું કે, આ યાત્રાનો ખરેખરો પ્રારંભ કન્યાકુમારીથી થયો છે. અમે વડોદરાથી રાજસ્થાન, પંજાબ થઈને દિલ્હી પહોંચીશું અને ત્યાં કેટલાક દિવસ રોકાઈને પાકિસ્તાન પ્રવાસે નિકળીશું. ૧૪મી ઓગસ્ટના રોજ વાઘા બોર્ડર પર ભારત અને પાકિસ્તાનનો સ્વાતંત્ર્યદિન સંયુક્તપણે ઉજવીશું. પાકિસ્તાનના તમામ વિસ્તારોમાં દરરોજ ૨પ કિમી સવારે અને ૨પ કિમી બપોરથી સાંજના સમય દરમિયાન સાઈકલ પ્રવાસ કરીશું. જ્યારે બપોરે સ્થાનિક નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરએકશન કરી બંને દેશો વચ્ચે શાંતિનો માહોલ કેવી રીતે સર્જા‍ય તે વિશે તેમને સમજાવીશું. આ સાઈકલ પ્રવાસ માટે ભારત અને પાકિસ્તાનની સરકારના સંબંધીત વિભાગો વચ્ચે કરાર થયા છે.

લવ યોર નેબરનો મેસેજ પાઠવશે

દિલ્હી યુનિવર્સિ‌ટીના સ્ટુડન્ટ્સ એસોસિયેશન દ્વારા 'લવ યોર નેબર’ સૂત્રના નેજા હેઠળ પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં સાઈકલ પ્રવાસનું આયોજન કરાયું છે. શહેરમાંથી ચાર સિનિયર સિટિઝન સાઈક્લિસ્ટ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ સહીત વિવિધ વિસ્તારોમાં ફરશે.