નાગલોદનો યુવાન નદીમાં ડૂબ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગોધરાના પાવર હાઉસ વિસ્તારમાં શરીરે બ્લેડ વડે ઇજા કરતાં આધેડનું મોત
- કંકુથાંભલામાં ટ્રકની ટક્કર વાગતાં સાઇકલ સવારનું મોત

ગોધરા શહેર તેમજ મોરવાના નાગલોદ ગામે અકસ્માતે મોતના ત્રણ અલગ અલગ બનાવમાં ત્રણના મોત નિપજ્યા છે. નાગલોદ ગામે ૧પ વર્ષીય કિશોરનું પાણીમાં ડુબી જતા તથા કંકુથાંભલા પાસે ટ્રકની ટક્કરે મોટર સાયકલ સવારનું મોત નિપજ્યુ હતુ. તદઉપરાંત ગોધરાના પાવર હાઉસ વિસ્તારમાં આધેડે પોતાના શરીરે બ્લેડ વડે ઇજા કરતા સારવાર દરમિયાન તેનું વડોદરા સયાજીના બિછાને કરૂણ મોત નિપજ્યુ હતુ.

પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યાનુસાર, ગોધરા શહેરના પાવર હાઉસ પાસે રહેતા સુરેશભાઇ જગાભાઇ પરમાર (ઉ.વ.પપ)એ ગત તા.૨૭ મે ની મોડી રાત્રિએ અગમ્ય કારણોસર પોતાના શરીરના ભાગે બ્લેડ વડે ઇજા કરી હતી. જેથી તેની હાલત ગંભીર થતા ગોધરા સિવીલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓનું મોત નિપજ્યુ હતુ.

અન્ય એક બનાવમાં ગોધરા તાલુકાના કંકુ થાંભલા પાસેથી મોટર સાયકલ મારફતે ધામણોદ જઇ રહેલા તખતસિંહ મકનસિંહ બારીયા (ઉ.વ.૬૩)ને ટ્રકે ટક્કર મારતા ગોધરા સિવીલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તેઓનું મોત નિપજ્યુ હતુ. જ્યારે મોરવા તાલુકાના નાગલોદ ગામનો ૧પ વર્ષીય કિશોર સતીષ પ્રભાતસિંહ પટેલ ભેંસો લઇ પાનમ નદીમાં પાણી પીવડાવવા ગયો હતો. જ્યાં અનાયાસે નદીના પાણીમાં તે ડુબી જતા તેનું કરૂણ મોત નિપજતા પરિવારજનોમાં ગમગીની છવાઇ હતી. અકસ્માતે મોતના ત્રણેવ બનાવ નોંધી સબંધિત પોલીસે વધુ કાર્યવાહી સંપન્ન કરી હતી.