ગોધરામાં પાણી કાપના પ્રથમ દિવસે જ હોબાળો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાલિકા તંત્ર દ્વારા વૈકિલ્પક વ્યવસ્થા વગર જ પાણી કાપ મુકાતાં મહિ‌લાઓમાં રોષ : આગામી બે દિવસમાં વિકટ સ્થિતિ સર્જા‍શે
- એક દિવસ વધુ પાણી આપીને પાલિકા જવાબદારી પુર્ણ કરી હોવાનું માને છે.

નર્મદા કેનાલ આધારીત ગોધરાને પીવાનું પાણી પુરી પાડતી યોજનાના ભામૈયા સ્થિત પ્લાન્ટમાં શુદ્ધિકરણ પ્લાન્ટમાં સંપ અને પાઇપલાઇન જોડાવાની કામગીરીના પ્રથમ દિવસે જ ગોધરામાં પાણી-પાણીના પોકારો સાંભળવા મળ્યાં હતાં. નગર પાલિ‌કા દ્વારા આગોતરા આયોજનના અભાવે ગોધરાના નગરજનોને ફરજિયાત ત્રણ દિવસ તરસે રહેવાનો વારો આવતાં શાસકો અને વહિ‌વટ કર્તાઓ સામે ભારે રોષ ભભુકી ઉઠયો છે.

શહેરના ગેનીપ્લોટ અને અબદલવાડા સહિ‌ત અનેક વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની અછત સર્જા‍તા મહિ‌લાઓને માથે બેડા મુકી હેન્ડપંપનો સહારો લેવાની ફરજ પડી હતી. જોકે પ્રથમ દિવસે જ સર્જા‍યેલી પાણીની અછત જોતાં આવનારા આગામી બે દિવસોમાં ગોધરાના નગરજનોને પીવાના પાણી માટે દુર દુર સુધી ભટકવાનો વારો આવે તો નવાઇ નહીં હોય .

ચાર વર્ષ અગાઉ ગોધરા શહેરને પીવાનું શુદ્ધ પાણી પુરૂ પાડવાની મહત્વકાંશી એવી નર્મદા આધારિત યોજનાના ભાગરૂપ ભામૈયા ખાતે શુદ્ધિકરણ પ્લાન્ટમાં સંપ અને પાઇપ લાઇન જોડાણની કામગીરી રવિવારની સવારથી પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. જેના પગલે શહેરના એસઆરપી, જીઆઇડીસી, ભુરાવાવ, ખાડી ફળીયા, પ્રભાકુંજ, ભવાની નગર તેમજ મુસ્લિમ વિસ્તારો એવા, ગેનીપ્લોટ, સાતપુલ, સીગ્નલ ફળીયા, રગડીયા પ્લોટ, ભુખરીની વાડી સહિ‌ત શહેરના દોઢ લાખ ઉપરાંત શહેરીજનોને રવિવારથી ત્રણ દિવસ સુધી પીવાનું પાણી નહી મળે. રવિવારના રોજ કામગીરીની શરૂઆત થતાં જ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જા‍ઇ હતી. જેમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની જરૂરિયાત સંતોષવા હેન્ડપમ્પ ઉપર સવારથી મહિ‌લાઓના ટોળા પાણી માટે ઉમટયા હતા.

બીજી તરફ તંત્ર દ્વારા ખાસ કોઇ વ્યવસ્થા નહી કરી હોવાની વાત સાથે પણ મહિ‌લાઓમાં નારાજગી જણાઇ હતી. તદઉપરાંત મુસ્લિમ વિસ્તારોમાં પાણી નહી મળે તે અંગેની કોઇ જાહેરાત નહી કરાઇ હોવાનો પણ મહિ‌લાઓએ આક્ષેપ કર્યો હતો. એક અંદાજ પ્રમાણે શહેરને દરરોજ ૧ કરોડ લીટર પાણી જરૂરિયાત રહે છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા આયોજન વગર જ કામગીરી શરૂ કરી દેતાં લોકોને ભરઉનાળે તરસે રહેવાનો વારો આવ્યો છે. જેમાં રવિવારના રોજથી ખાડી ફળીયા, અદુમ્બર કુવા, પાવર હાઉસ સહિ‌ત વાગડીયા વાસમાં આવેલા ૧૨ કૂવા અને વ્હોરવાડ ગ્રાઉન્ડ સહિ‌ત ચાર ટયુબવેલ કુવાના સહારે શહેરીજનોએ વધતુ ઓછુ પાણી મેળવવા પ્રયાસ કર્યો હતો. ત્યારે પાલિકાએ એક દિવસ વધુ પાણી આપીને પોતાની કામગીરી પુરી કરી દીધી હોવાનો હાશકારો મેળવ્યો હતો.

અગાઉ વધુ પાણી આપવામાં આવ્યું હતું

રવિવારના રોજથી ભામૈયા ખાતે આવેલા શુદ્ધિકરણ પ્લાન્ટના સંપ સાથે પાઇપ લાઇન જોડાણ સહિ‌તની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મોટા ભાગે સોમવાર સાંજ સુધી આ કામગીરી પૂર્ણ થઇ જશે. પરંતુ ટેસ્ટીંગને કારણે મંગળવાર સુધી રાહ જોવી પડશે. શહેરીજનોને પાણીની તકલીફ ન પડે તે માટે અગાઉ વધુ પાણી આપવામાં આવ્યુ હતુ . - એમ.એમ.સોલંકી, પાલિકા મુખ્ય અધિકારી

પાલિકા તંત્રે જરૂરી વ્યવસ્થા કરી નથી

ગોધરા શહેરના ગેનીપ્લોટ વિસ્તારમાં પાણી નહી મળતા સામાન્ય વપરાશ માટે મેશરી નદીના પટમાંથી તેમજ હેન્ડપમ્પ ઉપરથી પીવાનું પાણી લેવુ પડયુ છે. પાલિકા તંત્રએ જરૂરી વ્યવસ્થા પણ કરી નથી. પાણીનો અમારે અવાર નવાર પ્રશ્ન સર્જા‍ય છે. રજૂઆત અંગે પણ ધ્યાન અપાતુ નથી.
હાજરાબીબી, સ્થાનિક રહીશ

વેરો ભરાવે છે પરંતુ પાણી અનિયમિત અપાય છે

પાલિકા તંત્ર પાણી વેરો નિયમીતપણે ભરાવે છે. પરંતુ પાણી અનિયમીત આપે છે. અમારા વિસ્તારોમાં ઉનાળા દરમિયાન નિયમીત પાણી મળે તેમ કરાય તેવી અમારી માંગ છે. વળી અમારા વિસ્તારમાં ગટર લાઇનનું કામ ચાલે છે. જેના કારણે ઘણી વાર પ્રદુષિત પાણીનું મિશ્રણ પીવાના પાણીની પાઇપ લાઇનમાં થઇ જાય છે. - તાહેરાબીબી, સ્થાનિક રહીશ.