ભત્રીજાની હત્યા કરનાર ફૂવાને આજીવન કેદની સજાનો હુકમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેદ તથા ૧૦ હજારનો દંડ અને મારવાના ઇરાદે ઇજા કરવા માટે પ વર્ષની સજા

ઘોઘંબા તાલુકાના પાધોરા ગામે દિવાળીના તહેવારે દારૂ પીવાના મામલે પતિ પત્ની વચ્ચે તકરાર થઇ હતી. જે ઝઘડામાં ઉશ્કેરાયેલા ફૂવાએ ભત્રીજાના ગળા પર કુહાડીના ઘા મારી હત્યા કરતાં પોલીસે ધરપકડ કરી હતી. ર્કોટે હત્યારાને આજીવન કેદની સજા કરી હતી.ઘોઘંબાના ચન્દ્રનગરનો કિરીટ નાયક પાધોરાની સુનીતા સાથે લગ્ન કર્યા બાદ સાસરીમાં રહી મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. દરમિયાન ગત ૬ નવેમ્બર ૨૦૧૨ની રાતે પત્નીએ પતિને દારૂ ન પીવાનું કહેતાં આ બાબતે બોલાચાલી બાદ મામલો બિચકાયો હતો. ઉપરાંત દિવાળીનો તહેવાર ઢુંકડો હોવાથી કિરીટે તેની પત્નીને ચંદ્રનગરની મુવાડી ગામે સાથે જવા માટેનું કહેતાં તેણે ના પાડી હતી.

જેથી ગુસ્સે ભરાઇ નજીકમાં પડેલ કુહાડી લઇ તેની પર વાર કરતાં તેણે કુહાડી પકડી લીધી હતી. જેમાં ઇજાઓ થતાં તેને લોહી નીકળ્યું હતું. આ વખતે ભત્રીજો વિપીન ફોઇને બચાવવા બારણાને મારેલ સ્ટોપર ખોલવા ગયો હતો. આ જોઇ કિરીટે ગુસ્સે થઇં વિપીનના ગળાના ભાગે કુહાડીના જોરદાર ફટકા માર્યા હતા. જેથી લોહીથી લથપથ હાલતમાં મોતને ભેટયો હતો. આ જોઇ ફોઇએ બૂમાબૂમ કરતાં ટેકરા ફળિયાના અન્ય માણસો આવ્યા હતા. અને કિરીટને પોલીસને બોલાવી ધરપકડ કરાવી હતી. આ કેસ પંચમહાલના એડિશનલ સેશન્સ જજ કડીવાલાની ર્કોટમાં ટ્રાન્સફર કરાયો હતો. જેમાં કિરીટને ખૂનના ગુના માટે આજીવન કેદ તથા ૧૦ હજારનો દંડ, ઇજા કરવા માટે પ વર્ષની સજા અને પાંચ હજાર દંડનો હુકમ કર્યો હતો.