ફતેપુરામાં જાહેર રસ્તા પર થયેલાં દબાણ દૂર કરવા તંત્રની કવાયત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-કેટલાય સમયથી દબાણોના કારણે લોકો પરેશાન છે
-આડેધડ દબાણો કરવામાં આવતાં નગરમાં ઠેર ઠેર ટ્રાફિક સમસ્યા પણ વકરી છે
-માર્કેટ યાર્ડમાં દુકાનોની જગ્યાએ વૈભવી બંગલાઓ બનાવવા સામે ઉચ્ચ કક્ષાએ થયેલી રજૂઆતો

ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે છેલ્લા કેટલાયે સમયથી લોકો દ્વારા જાહેર રસ્તાઓ પર આડેધડ દબાણ કરવામાં આવતાં નગરમાં ટ્રાફિક સમસ્યા વકરી છે. તો બીજી તરફ નગરના માર્કેટ યાર્ડમાં દુકાનોની જગ્યાએ વૈભવી બંગલાઓ બનાવવાની ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો થવા પામી હતી. રજૂઆત થતાં પડતી હાલાકી દૂર કરવા તંત્રે દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરી છે.

ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે ઠેર ઠેર જાહેર રસ્તાઓ પર ગ્રામજનો દ્વારા પંચાયતની ગટર લાઇન પુરી દઇ ઓટલાઓ બનાવી ગેરકાયદેસર રસ્તાઓ પર દબાણો કરવામાં આવ્યા છે. જાહેર માર્ગો પર દબાણ કરાતાં અવરજવર કરતાં વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. તેમજ તાલુકા કક્ષાએ આવેલ માર્કેટ યાર્ડમાં અનાજના વેપારીઓ ન બેસી અન્ય દુકાનદારોને દુકાનો ફાળવી વૈભવી બંગલાઓ બનાવાતાં ખેડૂત વર્ગ માર્કેટ યાર્ડનો સદ્ઉપયોગ થાય તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.

ફતેપુરા નગરમાં જાહેર રસ્તા પર કરવામાં આવેલા વિવિધ દબાણો અને માર્કેટ યાર્ડમાં પણ કરવામાં આવતા ગેરકાયદેસર દબાણો હટાવવા માટે તંત્ર દ્વારા કડક કવાયત હાથ ધરવામાં આવી છે. ઝાલોદ પ્રાંત અધિકારી દ્વાર આવા દબાણ હટાવવાની કાર્યવાહી કરવા માટે કલેકટર,ડીડીઓ સહિ‌તના અધિકારીઓને રવાના કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી ફતેપુરાની પ્રજા નગરમાં કરવામાં આવેલા તેમજ કરાઇ રહેલા દબાણોથી ભારે પરેશાન બન્યા છે. આ અંગે ઉચ્ચકક્ષાએ પણ રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે આવા ગેરકાયદે દબાણો સત્વરે દૂર કરવામાં આવે તો નગરમાં ટ્રાફિકની સમસ્યા પણ કેટલેક અંશે દૂર થશે. સાથે લોકોને પણ રાહત થશે.

રેખા નિયંત્રણનો ભંગ કરતા દબાણો દૂર કરાશે
સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત થતાં પ્રાંત અધિકારીએ ફતેપુરામાં જાહેર માર્ગ પર થયેલ દબાણ અને માર્કેટ યાર્ડનું દબાણ દૂર કરવાનો હુકમ કર્યો છે. ગ્રામજનો દ્વારા રેખા નિયંત્રણો ભંગ કરાતા ૧પ મીટર જેટલુ દબાણ દૂર કરવામાં આવશે લોકો દ્વારા ૨૧ નવેમ્બર પહેલા સ્વેચ્છાએ દબાણ દૂર કરી દેવામાં આવે તે અત્યંત જરૂરી છે. નહીંતર તારીખ ૨૧ નવેમ્બરે કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે. હાલ દબાણ દબાણકર્તાઓ નોટિસ ફટકારવાની કાર્યવાહી ચાલુ છે. વી.એમ. પ્રજાપતિ, ફતેપુરા મામલતદાર

૨૦૦થી વધુ દબાણકર્તાઓને નોટિસ અપાશે
ફતેપુરા મામલતદારે માર્કેટ યાર્ડ અને ગામતળનુ દબાણ દુર કરવા નોટીસ ફટકારવા હુકમ કર્યો છે.માર્કેટમાં દબાણ માટે જિલ્લા રજિસ્ટ્રારને જાણ કરવામાં આવી છે. ગામતળમાં ૨૦૦થી વધુ કરાયેલા ગેરકાયદે દબાણોની માપણી કરી નોટીસ ફટકારવામાં આવશે. એમ ડી તાવિયાડ, તલાટી કમ મંત્રી ફતેપુરા