શહેરામાં બે દિવસમાં ચિકનગુનિયાનાં ૩૨ કેસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ચિકનગુનિયાએ શહેરાના બાહી ગામમાં માથું ઉંચક્યું
-છેલ્લા બે દિવસમાં આરોગ્ય તંત્ર દ્વારા રોગ નિયંત્રણની કામગીરી કરાઇ

-રોગ નિયંત્રણ માટે ફોગિંગ, પોરા ભક્ષક સહિ‌તની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી

દિવાળી પર્વ ટાણે મુલાકાતીઓની આવન જાવનને પગલે વાયરલ ઇન્ફેકશન ધરાવતા ચિકનગુનિયાએ શહેરા તાલુકાના બાહી ગામમાં માથુ ઉંચક્યુ હતું. માત્ર બે જ દિવસમાં આરોગ્ય ટીમની ચકાસણી દરમિયાન ૩૨ જેટલા કેસ નોંધાતાં પ્રજામાં ગભરાટ વ્યાપી ગયો છે. રોગ નિયંત્રણ માટે ફોગિંગ, પોરા ભક્ષક સહિ‌તની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

છેલ્લા ત્રણ ચાર વર્ષથી જાણે ચિકનગુનિયાએ એકલ દોકલ નોંધાવવાની સાથે નામશેષ થયો હોઇ તેવી પંચમહાલવાસીઓને અનુભૂતિ થઇ હતી. વરસાદની તુ વચ્ચે ઠેરઠેર ખાબોચિયા ભરાઇ રહેતા ડેન્ગ્યૂ નામના ભયાનક રોગે પુન: પગપેસારો કરીને અત્યાર સુધી વિવિધ વિસ્તારમાં દર્દી‍ઓને બાનમાં લીધા હોવાનું જોવા મળે છે. પરંતુ એકાએક ચિકનગુનિયા રોગચાળાએ માથું ઉંચકતાં પુન: એકવાર ચર્ચાના વિષય સાથે દર્દી‍ઓમાં ચિંતા વ્યાપી ગઇ છે.

છેલ્લા એક અઠવાડિયાથી શહેરા તાલુકાના બાહી ગામની આસપાસ ઘેર ઘેર માંદગીના ખાટલા સર્જાયા હતા. અબાલવૃદ્ધો સહિ‌ત સામાન્ય તાવ સાથે હાથ પગ માથું ઢીંચણ સહિ‌તના અવયવોનો દુ:ખાવો દિવસો સુધી જણાતો હતો. ઘર ગથ્થુ તેમજ અન્ય તબીબી ઉપાય આદરવા છતાં દર્દી‍ઓના સ્વાસ્થ્યમાં કોઇ સુધારો જણાતો ન હતો. આથી આગેવાન પી.ડી.સોલંકી દ્વારા જિલ્લા આરોગ્ય તંત્રમાં રજૂઆત કરીને આ રોગચાળાના વાવરને નાથવા માટે જરૂરી પગલાં લેવાની માંગ કરી હતી.

જેને પગલે તાત્કાલિક રચાયેલી આરોગ્ય ટીમ દ્વારા ગત મંગળવાર અને બુધવારે બાહી ગામમાં પહોંચીને બીમારગ્રસ્તોની ચકાસણી કરી હતી. હાથ ધરાયેલી ચકાસણી દરમિયાન મોટે ભાગે ઢીંચણ, સાંધામાં દુ:ખાવા સાથે સામાન્ય તાવની અસર સાથે ચિકનગુનિયાના લક્ષણો બહાર આવતા આરોગ્ય તંત્ર ચોંકી ઉઠયું હતું. ઘરે ઘરે ફરીને આદરેલી તપાસણી દરમિયાન બે દિવસમાં ૩૨ ચિકનગુનિયાના કેસ નોંધાતાં આરોગ્ય ટીમમાં દોડધામ સાથે ફોગિંગ, પોરા ભક્ષક તેમજ દિવસો સુધી પાણીથી ભરેલા પાત્રોને ખાલી કરવા, દવા છંટકાવ, ઘરની આસપાસ ગંદકી દૂર કરવા માટે માર્ગદર્શન તથા દવા, સારવાર અપાઇ હતી. દિવાળી પર્વ ટાણે જ ચિકનગુનિયાના વાવરને લઇને ગભરાટ વ્યાપ્યો છે. અન્ય વિસ્તારોમાંથી વાઇરલ ઇન્ફેકશન ધરાવતા દર્દી‍ઓના સંસર્ગમાં આવતા ચેપના કારણે સપડાતા હોય છે.

રોગ નિયંત્રણ માટે કરાયેલી કામગીરી બાદ હાલ સ્થિતિ કાબૂમાં
એડીસ મચ્છરોથી વાઇરલ ઇન્ફેકશન ફેલાય છે. હાલ તહેવારોમાં અન્ય ગામોમાંથી આવતા ચેપીગ્રસ્ત દર્દી‍ઓના સંપર્કમાં આવવાથી બાહીમાં ચિકનગુનિયાનો વાવર ફેલાયો છે. ૩૨ દર્દી‍ઓની ચકાસણી બાદ રોગ નિયંત્રણ માટે કરાયેલી કામગીરી બાદ હાલ સ્થિતિ કાબૂમાં છે.
બી.કે.પટેલ, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી

સંતરામપુર નગરમાં ૧પ જેટલા દર્દીઓએ સારવાર મેળવી
જીલ્લામાં સૈાથી વધુ સ્થળાંતરિત પ્રજા ધરાવતો અને હાલ દિવાળી પર્વને લઇને સૈારાષ્ટ્ર તરફથી સંતરામપુરમાં રાત દિવસ પ્રજાનુ આગમન થઇ રહ્યુ છે.સતત મેળા જેવો માહોલ સર્જા‍તા સંતરામપુરનગરના બ્રામણવાડામાં ગત બે દિવસમાં ૧પ જેટલા દર્દીઓએ સ્ટેટ હોસ્પિટલમાં ચિકનગુનિયાની સારવાર કરાવી છે.જેને કારણે આરોગ્ય તંત્ર દ્વારા જરુરી પગલાં લેવાયા છે.ત્યારે ચોમાસાની વિદાઇ બાદ નગરમા વાવાર ફેલાતાં પ્રજામાં ચિંતાનુ વાતાવરણ છવાયુ છે.