કાલોલ રેફરલમાંં ફિઝિશિયનના અભાવે હાલાકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અવારનવારની રજૂઆત બાદ પણ નિમણુંક નહી કરાતાં તાલુકા ભરનાં લોકોમાં નારાજગી
2008 પછી ફિઝિશિયનની જગ્યા ભરાતી નથી
કાલોલ: કાલોલ શહેરમાં આવેલી રેફરલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી જનરલ ફિઝીશ્યનના અભાવે દર્દીઓને ભારે અગવડતા વેઠવી પડે છે. અવારનવારની રજૂઆત બાદ પણ નિમણુંક નહી કરાતાં તાલુકાભરમાં નારાજગી છવાઇ છે. કાલોલના 100થી વધુ ગામો અને એક લાખથી વધુ વસ્તી ધરાવતા તાલુકા મધ્યે કાલોલમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ધરાવે છે. આ રેફરલ હોસ્પિટલમાં છેલ્લા વર્ષ 2008માં જનરલ ફિઝીશ્યનની સેવાઓ તાલુકાના દર્દીઓને મળતી હતી. પરંતુ તે સમયે જનરલ ફિઝિશિયનની બદલી વડોદરા થયા બાદ છેલ્લા પાંચ એક વર્ષથી હોસ્પિટલમાં જનરલ ફિઝિશિયનની નિમણુંક કરવામાં આવી નથી.
જનરલ ફિઝિશિયન વિના કાલોલ અને તાલુકાના અનેક ગામોના હ્દય રોગ, બ્લડ પ્રેસર તેમજ ડાયાબીટીશના દર્દીઓને મજબુરીના ભોગે ખાનગી દવાખાનાઓમાં જવું પડે છે. ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સારવાર અર્થે પૈસાનુ પાણી કરીને અન્યત્ર તાલુકા બહાર જવુ પડે છે. કાલોલ તાલુકાની એક લાખની આબાદી અને કાલોલની 25 હજારથી વધુ વસ્તી મધ્યે તાલુકાના સરકારી દવાખાનામાં ફિઝિશિયન ન હોવાને શહેર અને ગામડાઓના દર્દીઓને સારવાર અર્થે હાલોલ, ગોધરા, વડોદરા સુધી ખાનગી તબીબોનો નાણાંકીય બોઝ સહન કરવો પડે છે.
તદઉપરાંત તાલુકામાં નજીકમાં જ ઇમરજન્સી સમયે દર્દીને જનરલ ફિઝીશ્યનના અભાવે સમયસર સારવાર ન મળતા ઘણી વખત દર્દીને માથે જીવનુ જોખમ અથવા જીવ ગુમાવવાનો વારો પણ પાછળ પાંચ વર્ષમાં અનેકવાર અનુભવ્યો છે. તેથી કાલોલ તાલુકા મધ્યે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક ધોરણે એક કાયમી ફિઝિશિયનની નિમણુંક કરાય તેવી માગ ઉઠવા પામી છે. કાલોલમાં ઇમરજન્સી કેસોમાં દર્દીઓની જિંદગી દાવ પર આવી જાય છે.
ખાલી જગ્યાઓ માટે જાણ કરાઇ છે
કાલોલમાં આવેલી રેફરલ હોસ્પિટલમાં ત્રણ કલાસ વન જેવા તબીબો જેમાં ફિઝીશ્યન, ગાયનેક કે સર્જનમાંથી એક તબીબની પોસ્ટ હજુ પણ ખાલી છે. તેની સાથે પાર્ટ ટાઇમ વોચમેન, કાયમી પટાવાળા, એકસ રે આસીસ્ટન્ટ, ઇએનટીનો આસીસ્ટેન્ટ જેવી વિવિધ જગ્યાઓ પણ હજુ ખાલી પડેલી છે. અમારા દ્વારા દર માસે આવી તમામ ખાલી જગ્યાઓ માટે મહેકમ વિભાગ દ્વારા માહિતી પહોંચાડવામાં આવે છે.
ડો.મધુનિકા મુખરજી, મુખ્ય અધિકારી, રેફરલ હોસ્પિટલ, કાલોલ
તાત્કાલિક તબીબ મુકવા માગ
કાલોલ રેફરલ હોસ્પિટલમાં જરૂરી તબીબોની જગ્યા ખાલી હોવાથી બધા કિસ્સાઓમાં હાર્ટ એટેકના દર્દીઓ તાત્કાલિક સારવાર ન મેળવી શકવાના કારણે જીવ જોખમમાં મુકાય છે ત્યારે આરોગ્ય તંત્ર સામે કાલોલની તમામ પ્રજાની લોક લાગણીનેમાન આપી તાત્કાલિક એક તબીબ મુકી આપે તેવી માગ છે. સતવરે રેફરલમાં તબીબની નીમણૂંક કરાય તે જરૂરી છે.
ભરતભાઇ બ્રહ્મભટ્ટ, સરપંચ,ડેરોલ સ્ટેશન ગ્રામ પંચાયત