બટકવાડામાં પાણીની સ્ટેન્ડ પોસ્ટ બંધ રહેતાં લોકોને હાલાકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-પાણી ન મળતાં ગ્રામજનોને ફાંફાં મારવાનો વારો
-પાણી વિના હાલત કફોડી બનતાં સરપંચની ફરિયાદ

-તંત્ર દ્વારા ગ્રામજનોને પડતી હાલાકી દૂર કરાય તેવી માગ

ફતેપુરા તાલુકામાં લોકોને સરળતાથી પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભાણાસિમળ પાણી પુરવઠા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાના એક જ વર્ષમાં બટકવાડા ગામે પાણીના સ્ટેન્ડ પોસ્ટ સદંતર બંધ થઇ જતા ગ્રામજનો રોષ ઠાલવી રહ્યા છે. તંત્ર દ્વારા ગ્રામજનોને પડતી હાલાકી દૂર કરાય તે જરૂરી બન્યુ છે. ગુજરાત સરકાર દ્વારા ફતેપુરા અને સંતરામપુર તાલુકાના લોકોને સરળતાથી પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે ભાણાસિમળ પાણી પુરવઠા યોજના શરૂ કરવામાં આવી છે.

આ યોજનામાં ફતેપુરા તાલુકાના ૪૯ અને સંતરામપુર તાલુકાના ૨પ કુલ મળી ૭૪ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. યોજનામાં બટકવાડાના ગ્રામજનોને સરળતાથી પાણી ઘરઆંગણે મળી રહે તે માટે ગામમાં પપ જેટલા સ્ટેન્ડ પોસ્ટો ઉભા કરવામાં આવ્યા હતા. ઉભા કરવામાં આવેલા સ્ટેન્ડ પોસ્ટમાં એક વર્ષ સુધી પાણી આવતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી. ત્યારે એક વર્ષના સમય ગાળા બાદ સદંતર સ્ટેન્ડ પોસ્ટ બંધ થઇ જતાં લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. ભાણાસિમળ યોજનાના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સ્ટેન્ડ પોસ્ટાની જાળવણી કે મરામત કરવામાં આવતી નથી.

તેમજ બનાવેલ સંપોમાં પાણી ન ભરી સ્ટેન્ડ પોસ્ટ સુધી પહોંચાડવામાં આવતુ નથી. જેના કારણે બટકવાડાના ગ્રામજનોને પાણી વિના તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. બટકવાડા ગામના સરપંચ દ્વારા અવાર નવાર પાણી પુરવઠાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે પરંતુ અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ ન આપી સ્ટેન્ડ પોસ્ટ રીપેર કરવામાં ન આવતા સરપંચે રાજ્યના પાણી પુરવઠા મંત્રી બાબુભાઇ બોખરીયાને લેખિત ફરિયાદ કરી છે. આ બાબતથી ગામની પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રજાને પડતી હાલાકી દૂર કરાય તેવી માગ પણ ઉઠી છે.