લીમખેડા : ભાજપના ઉમેદવારે ઓછો ખર્ચ દર્શાવતાં ચૂંટણી પંચની નોટિસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાર્યવાહી: 48 કલાકમાં ખુલાસો કરવાનો હુકમ

લીમખેડા : લીમખેડા વિધાન સભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર દ્વારા થતાં રોજેરોજના ખર્ચની વિગત ખર્ચ રજીસ્ટરમાં નોંધી ચૂંટણીના ખર્ચ નિરિક્ષકને રજૂ કરવાની હોય છે. જેમાં ભાજપના ઉમેદવારે પોતે કરેલો ખર્ચ ઓછો દર્શાવતાં લીમખેડા ચૂંટણી અધિકારીએ ભાજપના ઉમેદવારને નોટિસ પાઠવી 48 કલાકમાં જવાબ પાઠવવાનો હુકમ ફરમાવ્યો હતો. લીમખેડા વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. જેમાં બન્ને પક્ષના ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટે જાહેર સભા, રેલી, ખાટલા મીટીંગ સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

આ બાબતે રોજે રોજના થતાં ખર્ચ માટે ઉમેદવારોએ ચૂંટણી પંચ દ્વારા સુપ્રત કરવામાં આવેલા ખર્ચની સચોટ વિગતો દર્શાવી ખર્ચ નિરિક્ષકને નિયત થયેલા સમય દરમિયાન રજૂ કરવાની હોય છે. ત્યારે ભાજપના ઉમેદવાર વિછિયાભાઇ ભુરીયાએ તા. 6 સપ્ટેમ્બરના રોજ ખર્ચ રજિસ્ટરમાં દર્શાવેલ ખર્ચ ચૂંટણીપંચની એકાઉન્ટીંગ ટીમના શેડો રજીસ્ટરમાં નિભાવેલા ખર્ચ કરતા ખુબ જ ઓછી જણાઇ આવી હતી. જેથી લીમખેડા વિધાનસભાના ચૂંટણી અધિકારી કેતન નાયકે ભાજપના ઉમેદવારને નોટિસ ફટકારી હતી. તેમજ નોટીસનો ખુલાસો 48 કલાકમાં રજૂ ન કરાય તો કાર્યવાહી કરવાનો હુકમ ફરમાવ્યો હતો.