• Gujarati News
  • Man Who Molested Girl In Train Held And Beaten By Passengers In Godhara

ચાલુ ટ્રેનમાં યુવકે બાળાને અડપલાં કરતાં મુસાફરોએ કર્યા બૂરા હાલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-અવંતિકા એક્સપ્રેસમાં ચાલુ ટ્રેનમાં બાળાની છેડછાડ કરતો યુવક ઝડપાયો : ગોધરા સ્ટેશન પર મુસાફરોએ મારી પોલીસને સોંપ્યો
-બનાવને પગલે મુસાફરોમાં રોષ : પોલીસે ઝડપી પાડી મેડિકલ ચેકઅપ કરાવ્યું

મુંબઇ થી ઇન્દોર જતી અવંતિકા એક્સપ્રેસ ચાલુ ટ્રેનમાં નવ વર્ષની બાળકી સાથે પરપ્રાંતીય યુવક દ્વારા છેડતી કરી શારીરિક અડપલાં કરવામાં આવ્યા હતા. આ ઘટના એસ-૧૦ કોચમાં બનતાં મુસાફરોમાં રોષ ફેલાયો હતો. ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેન પહોંચતાં મુસાફરોએ યુવકને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. આ બનાવને પગલે મોટી સંખ્યામાં રેલવે મથકે મુસાફરો તથા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. બનાવ સંદર્ભે બાળકીના પિતાની ફરિયાદના આધારે યુવાન સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સોમવારે મુંબઇથી ઇન્દોર અવંતિકા એક્સપ્રેસ ટ્રેન ઉપડી હતી. જેમાં એસ-૧૦ કોચમાં એક ભરૂચ નર્મદા જિલ્લાનો પરિવાર બેઠો હતો. મધ્યરાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ટ્રેન વડોદરાથી ગોધરા તરફ આવતી હતી. આ દરમિયાન પરિવારની નવ વિષeય બાળકી ઉંઘમાં હતી ત્યારે ચાલુ ટ્રેનમાં બેઠેલા એક પરપ્રાંતીય યુવક દ્વારા બાળકી સાથે શારીરિક અડપલા કરવાની સાથે છેડતી કરવામાં આવી હતી.
બનાવની જાણ પરિવાર તથા મુસાફરોને થતાં રોષ ફેલાયો હતો. તાત્કાલિક યુવાનને મુસાફરોએ ઝડપી પાડયો હતો. ચાલુ ટ્રેનમાં જ બાળકી સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હોવાની જાણ થતાં અન્ય કોચના મુસાફરો પણ દોડી આવ્યા હતા. અને યુવાનને મેથીપાક ચખાડવાનું શરૂ કરવામાં આવ્યુ હતું. બીજી તરફ ટ્રેન રાત્રીના અંંદાજિત બે વાગ્યાના અરસામાં ગોધરા રેલવે સ્ટેશન પર પહોંચી હતી. જ્યાં મુસાફરો નીચે ઉતરી હોબાળો મચાવ્યો હતો. જેને પગલે રેલવે પોલીસ મથકના પીએસઆઇ સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો. જ્યાંથી મુસાફરો તથા બાળકીના પરિવારે સમગ્ર હકીકત પોલીસને જણાવી હતી. જેથી પોલીસે છેડતી કરનાર યુવકની ધરપકડ કરી તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ જીતેન્દ્રસિંહ શેખાવત (ઉવ.૨૨,રહે.ગુંડાકેશરસિંહ, નપિલ, પાલી, રાજસ્થાન )હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી બાળકીના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો. આ અંંગે રેલવે પીએસઆઇ વી.સી. સોલંકીએ આરોપી યુવાનનું મેડિકલ ચેકઅપ ગોધરા સિવિલમાં કરાવ્યું હતું. આ બનાવથી ચકચાર મચી ગઇ હતી.

બે કલાક ટ્રેન ઊભી રહી
મુંબઇથી ઇન્દોર જતી અવંતિકા એક્સપ્રેસમાં ચાલુ ટ્રેનમાં બાળકી સાથે યુવકે અડપલા કરતાં મુસાફરોમાં રોષ ફેલાયો હતો. રાત્રીના બે વાગ્યે ગોધરા પહોંચેલી ટ્રેનને મુસાફરો દ્વારા રોકી યુવાનને મેથીપાક ચખાડવાની સાથે તેની સામે ફરિયાદ નોંધવાની માંગણી કરવામાં આવી હતી. આમ અંંદાજે પોણા બે કલાક સુંધી ટ્રેન ઉભી રહી હતી.

ટ્રેનમાં પોલીસ ન હોવાથી રોષ
ચાલુ ટ્રેનમાં બાળકી સાથે પરપ્રાંતીય દ્વારા શારીરિક અડપલા કરવામાં આવ્યા હોવાની વાત વહેતી થતા મુસાફરોએ તેને માર માર્યો હતો. તેમજ ટ્રેનમાં પોલીસને શોધવા છતા કોઇ કોન્સ્ટેબલ કે ગાર્ડ નજરે પડ્યા ન હતા. જેથી ટ્રેનમાં ગાર્ડ ન હોવાથી રેલવે તંત્ર સામે છુપો રોષ ફેલાયો હતો.