'અમારી ટોળકી માત્ર બૂટલેગરોના ઘરોને જ નિશાન બનાવતી હતી’

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડસ ઓપરેન્ડી:ગોધરામાંથી પકડાયેલા લૂંટારુની કબૂલાત
ટોળકીમાં સામેલ ૨૦ શખ્સોનાં નામ ખૂલતાં શોધખોળ શરૂ


ગોધરા શહેરમાંથી એલસીબી પોલીસના હાથે ઝડપાયેલા પરપ્રાંતીય લૂંટારુએ ટોળકી માત્ર બૂટલેગરોને જ નિશાન બનાવતી હોવાના ઘટસ્ફોટ સાથે વધુ ચાર સ્થળની ચોરીની કબૂલાત કરતાં પોલીસ તંત્ર ચોંકી ઊઠયું હતું. જોકે આજે પૂછપરછમાં ટોળકીમાં વધુ ૨૦નાં નામો ખૂલતાં પોલીસે ધરપકડ કરવોનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

ગોધરા એલસીબી પોલીસે શનિવારે ગોધરા રેલવે સ્ટેશન વિસ્તારમાંથી આંતરરાજ્ય લૂંટારુ ટોળકીના સૂત્રધાર ધના ખીમા કિશોરી (રહે.બોરકુંડા, કુસલગઢ, રાજસ્થાન)ને દબોચી લીધો હતો. દરમિયાન તેની પૂછપરછ હાથ ધરતાં ઝઘડિયા તાલુકાના ગોરઠિયા ગામે તાજેતરમાં થયેલી ૩પ લાખ ઉપરાંતની સનસનીખેજ લૂંટનો પર્દાફાશ થયો હતો. એટલું જ નહીં પણ આ લૂંટનું કાવતરું વડોદરાની સેન્ટ્રલ જેલમાં ઘડાયું હોવાની કબૂલાત કરતાં ખળભળાટ મચી ગયો હતો.

એલસીબીએ લૂંટારુની વધુ પૂછપરછ હાથ ધરતાં તેઓની ગેંગ દ્વારા આજથી એક માસ અગાઉ ગોઠીબ, નેશ હીરાપુર તથા નાની ભુગેડી ઉપરાંત દાહોદ જિલ્લાના સુખસરના આફવા અને મોટા નટવા ફતેપુરાના મોટીરેલ, રણધીકપુરના ભૂતખેડી તથા સંજેલી ગામે લૂંટ ચલાવી હોવાની પણ કબૂલાત કરી હતી. બીજી તરફ ઝઘડિયાના ગોરઠિયા ગામના જ બળદેવભાઇ વસાવાએ લૂંટનું ષડ્યંત્ર જેલમાં બેઠાં બેઠાં કટિયા મેડા સાથે બનાવ્યું હતું. આ અંગે એલસીબી પીઆઇ બી.કે.વનારે જણાવ્યું હતું કે, લૂંટારુ ટોળકી માત્ર બુટલેગરોને જ નિશાન બનાવે છે.

લૂંટની ઘટના પહેલાં આ ટોળકી પહેલાં દારૂ પીવાના બહાને સ્થળ ઉપર પહોંચતી હતી. અને એ વિસ્તારની રેકી કર્યા બાદ રાત્રીના સમયે લૂંટ ચલાવતા હોવાનું કહેવાય છે. હાલ પોલીસે નાની ભુગેડી ગામે થયેલી લૂંટમાં પરપ્રાંતીય લૂંટારુની અટક કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

કુટુંબનાં સભ્યો પણ લૂંટમાં જોડાય છે

ગોધરા પાસેથી ઝડપાયેલા લૂંટારુઓ પરપ્રાંતીય હોવાનુ બહાર આવ્યું છે જેથી કહી શકાય કે, જિલ્લામાં થતી લૂંટના બનાવોમાં પરપ્રાંતીય ગેંગ સક્રિય છે. ઝડપાયેલા લૂંટારુની પુછતાછ કરતાં તેઓની ગેંગમાં નજીકના કે કુટુંબી સભ્ય વધુ હોય છે. જેથી લૂંટમાં તેઓનો વધુ ઉપયોગ
થાય છે.

મધ્ય ગુજરાતની અનેક લૂંટનો ભેદ ઉકેલાયો

ઝઘડિયા તાલુકાના ગોરટિયામાંથી ૩પ લાખ, અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં, સંતરામપુરના ગોઠીબ, નાની ભુગેડી, નેશ હીરાપુર, સુખસરના આફવા, મોટા નટવા, ફતેપુરાની મોટી રેલ, રણધીકપુરના ભુતખેડી સહિ‌તના સ્થળ ઉપર લૂંટને લૂંટારુ અંજામ આપ્યો છે. આ ઉપરાંત ઉમરેઠ તરફ પણ લૂંટની કોશિશ કરી હતી.