જાંબુઘોડા: જાંબુધોડા તાલુકાના મસાબાર ગામે આવેલા કૂવામાં દીપડો ખાબક્યો હતો. જેને પગલે પંથકમાં લોક ટોળા ઉમટ્યા હતા. રવિવારની મોડી રાત્રે કૂવામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. ત્યાર બાદ જંગલ તરફ ભાગી ગયો હતો.આમ દીપડો બહાર આવી જતાં ગામના સૌ કોઇએ હાશકારો અનુભવ્યો હતો.જાંબુઘોડા તાલુકાના મસાબાર ગામના જંગલમાંથી ગત રાત્રીએ ખાણીપાણીની શોધમાં માનવ વસવાટ તરફ દીપડો આવી પહોંચ્યો હતો.
- જાંબુઘોડાના મસાબાર ગામના ઊંડા કૂવામાં દીપડો ખાબક્યો
-લોક ટોળા ઉમટ્યા : રાતે બહાર કાઢવામાં સફળતા
- દીપડો બહાર આવી જતાં સૌ કોઇએ હાશકારો અનુભવ્યો
મસબાર ગામમાં રહેતા અરવિંદભાઇ રાયસિંગભાઇના કૂવાના 40 થી 50 ફુટ ઉંડા પાણી વગરના કૂવામાં ખાબક્યો હતો. જેને સવારે બાજુમાં રહેતી 8 થી 10 વર્ષની બાળકી અમીશાબેન કૂવા બાજુ પુંજો નાખવા જતી વખતે જોયો હતો. દીપડો કૂવામાં પડ્યો હોવાની જાણ ખોડસલ બિટનાં વોચમેન ગણપતભાઇને કરતા તેઓએ ખોડસલ બીટનાં ઇન્ચાર્જ બિટગાર્ડને કરતા કિશનભાઇ રાઠવાએ સમગ્ર બનાવની જાણ જાંબુઘોડા આર.એફ.ઓ ગજેન્દ્રસિંહ પરમારને કરી હતી. તેઓની ટીમ પહોંચી ગઇ હતી.પરંતુ તેઓનું દિવસના બહાર કાઢવાનું યોગ્ય ન લાગતા સાંજના છ કલાક બાદ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ભારે જહેમત બાદ રવિવારની મોડી રાત્રે કૂવામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. ત્યાર બાદ જંગલ તરફ ભાગી ગયો હતો. આમ દીપડો બહાર આવી જતાં સૌ કોઇએ હાશકારો અનુભવ્યો હતો.અત્રે નોંધનીય છે કે, જાંબુઘોડા અભયારણ્ય વિસ્તાર હોવાથી અસંખ્ય પ્રાણીઓ આ વિસ્તારમાં વસવાટ કરે છે. જેના કારણે વન્ય જીવો માટે બનાવેલ હવાડા હાલ ઉનાળામાં ખાલી હોય છે. જેથી હિંસક વન્ય પ્રાણીઓ ગામમાં આવી જતા હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવે છે. જેથી વન વિભાગ દ્વારા આ બાબતે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી તાતી જરૂરીયાત ઉભી થઇ છે. હાલ તો વિસ્તારના લોકોમાં એક પ્રકારનો ભય સતત રહેલો જોવા મળે છે.
આગળ જુઓ વધુ તસવીર...