તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંચમહાલ જિલ્લામાં દિવાળીની સિઝનમાં સેંકડો ટન ભંગારની આપ લે થાય છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તહેવાર નિમિત્તે ઘરમાં સાફસફાઇ, રંગરોગાન કરવાની વર્ષોથી પરંપરા ચાલી આવી છે

દિવાળી-નવા વર્ષના તહેવાર નિમિત્તે ઘરમાં સાફસફાઇ, રંગરોગાન કરવાની વર્ષોથી પરંપરા ચાલી આવી છે. દરમિયાન ઘરમાં પડી રહેલો નકામો, તુટીફુટી ગયેલો જૂનો સરસામાન બહાર કાઢી નાંખી ભંગાર તરીકે આપી દેતા હોય છે. આ નકામો સામાન ભંગારના વેપારીઓ કોડીઓના દામે ખરીદી લેતા તેઓની સિઝન શરૂ થઇ જાય છે. મોંધવારીના કારણે તમામ ધંધાઓમાં મંદી જણાય છે. ત્યારે ભંગારના વેપારમાં દિવાળીના દિવસોમાં બરાબર તેજી જામી જતી હોય છે.

દિવાળી શરૂ થતા અગાઉ એક અંદાજ મુજબ માત્ર ગોધરામાં ૧પ૦થી વધુ નાના ગજાના લોખંડ ભંગારની ખરીદી કરતાં વેપારીઓ લારીઓ મારફતે ફરવા માડે છે. ખાસ કરીને દિવાળીની સિઝનમાં તેઓ સસ્તા ભાવે ભંગાર ખરીદી કરતા હોય છે. પરંતુ આ વર્ષે બજારમાં પ્રર્વતેલી મંદી ભંગારના ધંધામાં ઓછી જોવા મળે છે. આ સમયે ભંગાર સસ્તા ભાવે વેપારીઓ ખરીદી કરે છે અને દિવાળી બાદ તેની સારી આવક ઉપજે ત્યારે વેચી દેતા હોય છે.

આ સિઝનમાં લાકડું, લોખંડ, પ્લાસ્ટીકથી માંડીને અનેક ઇલેકટ્રીક વસ્તુઓની ભંગાર તરીકે ખરીદી કરાઈ છે. તેમજ દિવાળી પર્વ દરમિયાન એક દિવસમાં ટ્રક ભરીને ભંગારનો સોદો થતો હોય છે. નાના વેપારીએા શેરીઓમા ફરી ભંગાર લીધા બાદ ગોધરા - વડોદરા રોડ, ગોંદરા વિસ્તાર, જૂના બસ સ્ટેન્ડ પાસેના બજારમાં વેચી દેતા હોય છે. પંચમહાલના કાલોલ, હાલોલ તથા મહિ‌સાગરના લુણાવાડા, સંતરામપુર સહિ‌ત વિસ્તારોમાંથી ભંગારના છૂટક વેપારીઓ ગોધરામાં આવી કમાણી કરી લેતા હોય છે. કારણ કે, જિલ્લામાંથી ઠલવાયેલો ભંગારને ઓગાળનારા કારખાના પણ ગોધરામાં આવેલા છે.