આકરા તાપમાં ગરમાળો ખીલતા સારા વરસાદની આશા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તા.૧૬ જુન સુધી વર્ષા રાણીની પધરામણી થવાની ધારણા
સામાન્ય રીતે વરસાદના વર્તારા કરતા વિવિધ સાધનો પૈકી કુદરતી આગાહી કરતા ગરમાળો સચોટ નિવડે છે. ત્યારે પંચમહાલમાં આકરા તાપમાં ગરમાળો સોળે કળાએ ખીલી ઉઠતા ફૂલોથી વૃક્ષ આચ્છાદિત જોવા મળતા સારા વરસાદની આશા બંધાઇ છે. બીજી તરફ તા.૧૬ જુનની આસપાસ વર્ષા રાણીની પધરામણી થવાની વકી છે.
ખેતી પ્રધાન પંચમહાલમાં જનજીવન વરસાદ ઉપર આધારિત છે. ખેડૂત હોય કે સામાન્ય જન હંમેશા ચોમાસા માટે ચિંતીત બનીને ક્યારે બેસશે અને કેવુ રહેશે તેવી ગડમથલ ચાલતી હોય છે. છેક હોળી પર્વથી લઇને વડની વડવાઇ, જમીન ઉપર ચકલીઓની આવન જાવન, ટીંટોડીના ઇંડા તથા આધુનિક ટેક્નોલોજીથી હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવે છે. તેમ છતાં ક્યારેક નિષ્ફળ પુરવાર થાય છે. આધુનિક ટેક્નોલોજીની આગાહી સામે કુદરતી વર્તારો હંમેશા સત્યની દિશામાં જ હોય છે.
જેમાં ગરમાળાનું વૃક્ષ એક આગાહી કરે છે. હાલ આકરો ઉનાળો જામતા ગોધરા તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગરમાળાના ફૂલ સોળે કળાએ ખીલી ઉઠીને તેની અદ્ભૂત સોંદર્યતાને વેરીને આકર્ષણ જન્માવી રહ્યા છે. પાનખરની ઋતુમાં વૃક્ષો વૃદ્ધજન સમાન ભાસે છે ત્યારે ગરમાળાના ફૂલોથી સમગ્ર વૃક્ષ આચ્છાદિત બનીને આસપાસના વાતાવરણને સુંદર બનાવી રહી છે. આ ફૂલની વિશેષતા એ છે કે, એક સાથે કળી ખીલીને એક સાથે ફૂલો ખીલી ઉઠે છે. તે વરસાદના આગમનના ૪પ દિવસ પૂર્વે બેસી જાય છે. કૃષિ વૈજ્ઞાનિકો પણ વર્ષા પંચાગ નક્કી કરવા આવી ગણતરીઓને ધ્યાનમાં લેતા હોય છે.
હવામાન વિભાગે પણ આગામી તા.૧૬ જુને અનુમાન કર્યુ છે ત્યારે પંચમહાલમાં વરસાદના આગમનને હજુ ૨૨ દિવસ બાકી હોવાનું કહેવાય છે. જાણકારો જણાવી રહ્યા છે કે, અન્ય વર્તારાની સરખામણીમાં ગરમાળાના ફૂલ સચોટ સાબિત થાય છે. જોકે ક્લાઇમેટ ચેંજ અને ગ્લોબલ વોિમ્ર્‍ાંગની અસરથી કદાચ વાતાવરણ બંધાવવામાં સંભવિત અઠવાડિયુ પસાર થાય છે. પરંતુ ચોક્કસ વરસાદના વધામણા થતા હોય છે.