• Gujarati News
  • Halol Vadodara Road Between The DP Not Remove So Its Risk

હાલોલ - વડોદરા રોડની વચ્ચે ડીપી નહીં હટાવાતાં જોખમ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ડીપી હટાવવામાં નહીં આવે તો અકસ્માતની સેવાતી દહેશત

હાલોલ - વડોદરા રોડ ઉપર આવેલા ગીતાનગર પાસે ૧૦૦ કેવી ૧૧,૦૦૦ વોલ્ટની હાઇટેન્શન લાઇનની ડીપી ન હટાવાતાં અકસ્માતની દહેશત સેવાઇ રહી છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલીક ડીપી હટાવવામાં આવે તેવી માંગ ઉભી થઇ છે. નહીંતર આવનારા દિવસોમાં મોટી સમસ્યા સર્જા‍વાના એંધાણ વર્તાઇ રહ્યાં છે.

હાલોલ વડોદરા રોડ જીપીએસસી ગેસ સ્ટેશન પાસેથી દ્વીમાર્ગી નવા રોડનું કામ ચાલુ છે. રોડની વચ્ચે ડિવાઇડર બનાવી ઇલેક્ટ્રીક લોખંડના પોલ ઉભા કરાયા છે. પરંતુ ૨૪ કલાક ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર ગીતાનગર પાસે ૧૦૦ કેવી ૧૧૦૦૦ વોલ્ટની હાઇટેન્શન લાઇનની ડીપી હટાવાઇ નથી. નવિનીકરણ બાદ રોડ પહોળા કરવા છતાં તેને હટાવીને યોગ્ય સલામત જગ્યાએ લઇ જવાની કામગીરી મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હાથ ધરાઇ નથી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ વાહન ચાલકો અને પ્રજાની જાનમાલની સલામતીની કોઇ કાળજી દેખાઇ નથી. આવી જોખમી ડીપી હટાવી લેવી જોઇએ તેવી માંગ ઉભી થઇ છે. ડીપી રોડ વચ્ચે હોવાથી યમદુતની જેમ ઉભી છે.

રાત્રિ દરમિયાન પાવાગઢ આવતા યાત્રાળુઓને રોડ વચ્ચે ઉભેલી ડીપીથી અકસ્માતની ભિતિ સેવાઇ રહી છે. હોળી ધૂળેટી દરમિયાન આદિવાસીઓ અને યાત્રાળુઓનો પ્રવાહ હાલોલ તરફ આવવાનો શરૂ થાય તે પહેલા ડીપી હટાવી લેવાની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉભી થઇ છે.

અગાઉ શોર્ટ સર્કિટ થઇ હતી

એકાદ મહિ‌ના અગાઉ રાત્રીના સમયે એક બાઇક ચાલક ડીપી સાથે અથડાતા શોટસર્કિટ થયો હતો. જેનાથી આ વિસ્તારની લાઇટો આખી રાત બંધ રહી હતી. બાઇક સવારને ગંભીર ઇજાઓ થઇ હતી. તે સમયે રીપેરીંગની કામગીરી હાથ ધરી વિજ પ્રવાહ ફરીથી ચાલુ કરાવ્યો હતો. પરંતુ ડીપી હટાવી અન્યત્ર ખસેડવાનું અધિકારીઓને સૂજ્યુ ન હતુ.
ટૂંક સમયમાં ડીપી હટાવાશે

આ અંગે એમજીવીસીએલ કંપનીના ડેપ્યુટી એન્જીનિયરપી.એન.થાનાવાલાએ જણાવ્યુ હતુ કે, આ બાબત અમારા ધ્યાન ઉપર છે. ટૂંક સમયમાં ડીપી હટાવી લેવાની કામગીરી હાથ ધરવામાં આવશે.