ગોધરામાં પાણી-ઘાસચારાની વિકટ સમસ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભાવવધારાના વિરોધમાં વીજબિલની પણ હોળી કરવામાં આવી
- રાજ્ય સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા નહીં કરાતાં કોંગ્રેસ દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું


પછાત ગણાતા પંચમહાલ જિલ્લામાં ઉનાળો મધ્યમે પહોંચવા છતાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી, ઘાસચારો સહિ‌તના પ્રશ્ને વિકટ સમસ્યા ઉદ્દભવી છે. ભાજપ સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા નહી કરાતાં હાડમારીથી ત્રસ્ત પ્રજામાં ઉદ્દભવેલી નારાજગી અને તેની નિષ્ફળતાના મુદ્દે ગોધરામાં કોંગ્રેસ દ્વારા માર્ગો પર રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ત્યાર બાદ વીજળીના ભાવવધારાના વિરોધમાં વીજબિલની હોળી કરાઇ હતી. દરમિયાન મોટીસંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બાદ પછાત ગણાતા પંચમહાલ જિલ્લામાં પણ ઉનાળાની તુ મધ્યમાં પહોંચતાની સાથે પીવાના પાણી અને ઘાસચારાની વિકટ સમસ્યા સર્જાઇ છે. જોકે કોંગ્રેસ દ્વારા તુની શરૂઆતમાં જરૂરી આયોજન સાથે ખેડૂત અને ગ્રામ્ય વિસ્તારની પ્રજા માટે સુવિધા ઉપલબ્ધ કરાવવાના પગલા લેવા માંગ કરવામાં આવી હતી. તેમ છતાં ભાજપાની સરકાર દ્વારા આ દિશામાં નકકર આયોજન નહી કરાતા હાલ પંચમહાલ જિલ્લામાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં પ્રજાજનો ભારે ત્રસ્તતા પોકારી ઉઠયા છે.

ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળા તથા તળાવા જેવા પાણીના સ્ત્રોત ખાલીખમ ભાસી રહ્યા છે. એટલું જ નહીં ધીરેધીરે પાણીના સ્તર પણ ઉંડા જતાં ઢોર ઢાંખરને જીવાડવાનો પ્રશ્ન ઉદભવ્યો છે. સાથે સાથે પીવાના પાણી માટે મહિ‌લાઓને દુર દુર સુધી જવાનો વારો આવ્યો છે.હાલ જરૂરિયાતમંદો પીવાના પાણી વિના ત્રાહિ‌મામ પોકારી રહ્યા છે.

જેથી કોંગ્રેસ દ્વારા અપાયેલા આદેશના પગલે જિલ્લા કોંગ્રેસ દ્વારા ગોધરામાં ભાજપની નીતિના વિરોધમાં કાર્યક્રમ યોજાયો હતો. ગુરુવારે ગોધરામાં જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય સી.કે.રાઉલજી, અજીતસિંહ ભટ્ટી સહિ‌તના આગેવાનો એકત્રિત થઇને માર્ગો ઉપર રેલી યોજીને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ત્યાર બાદ અપાયેલા આવેદનપત્રમાં નારાજગી સાથે જણાવ્યું હતું કે હાલ પ્રજા બેહાલ છે.

પ્રજાની અગવડતા ઉકેલવામાં રસ દાખવવાના બદલે ગુજરાતની ઉત્સવપ્રિય ભાજપા સરકાર તાયફાઓ, ઉત્સવો, સન્માન, સમારંભો ઉજવવામાં વ્યસ્ત છે. જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા ઉભી થવા પાછળ રાજય સરકારનો અણઘડ વહિ‌વટ અને આયોજનનો અભાવ જણાય છે. સમગ્ર જિલ્લામાં મહામૂલું પશુધન મોતના મુખમાં ધકેલાઇ રહ્યું છે. ત્યારે ભાજપ સરકાર માત્ર કાગળ ઉપર આયોજનની જાહેરાતો કરી રહી છે. પરંતુ સ્થાનિક વિકટ પરિસ્થિતિથી સુપેરે પરિચિત ન હોય તેમ જણાય છે. અથવા તો સમસ્યાઓ સામે લડવામાંથી ભાગેડુવૃત્તિના દર્શન કરાવે છે. પાણી હોવા છતાંય નાગરિકો પીવાના પાણીની ઘેરી સમસ્યાઓનો સામનો કરી રહ્યાનું જણાવ્યું હતું. ત્યાર બાદ વીજબિલના ભાવ વધારા વિરોધમાં બિલની હોળી કરવામાં આવી હતી. જોકે જિલ્લાભરમાંથી મોટીસંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

પાણી પુરવઠા મંત્રીએ રાજીનામું આપવું જોઇએ

સમગ્ર રાજયમાં પીવાના પાણીની ઘેરી સમસ્યા વકરી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં સરકારમાં રહેલા ભાજપના આગેવાનો અને પાણી પુરવઠા મંત્રીના મળતીયાઓ પાણી વેપારમાં કરોડો રૂપિયા ઘર ભેગા કરી લેવા માટે હરીફાઇમાં ઉતર્યા હોવાના આવેદનપત્રમાં કરાયેલા ઉલ્લેખમાં આગેવાનોએ વધુમાં ઉર્મેયુ હતું કે, પાણી પુરવઠા મંત્રીએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઇએ.

સરકારના વરસાદી આંકડા છેતરામણા છે

અપૂરતો વરસાદ હોવા અંગે પાણી અને ઘાસચારાની સમસ્યાના નિરાકરણ માટે સરકારને વાકેફ કરવા છતાં પગલા લેવામાં નિષ્ફળ ગઇ છે. હજુ તો વર્ષાતુના આગમનને દોઢ માસનો સમયગાળો બાકી છે. ત્યારે આ પ્રશ્નો અંગે જનઆંદોલન તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારો સુધી લઇ જઇને તંત્રને જાગૃત કરવામાં આવશે.

અજીતસિંહ ભટ્ટી, મહામંત્રી, જિલ્લા કોંગ્રેસ