ક્રિકેટના સટ્ટાબેટિંગ માટે ગોધરા એપી સેન્ટર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પંચમહાલમાં પ૦ થી ૧૦૦ સટોડિયાઓ અને પ૦૦ થી વધુ પન્ટરો સક્રિય
- મેચ દરમિયાન કરોડોનો સટ્ટો ખેલાય છે : મોટાભાગના બૂકીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે

ભાસ્કર ન્યૂઝ.ગોધરા
દિલ્હી પોલીસે ઝડપી પાડેલા આઇપીએલ મેચ ફિક્સીંગના કૌભાંડનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. ભૂતકાળમાં અનેક મોટા ગજાના બુકીઓનું નામ ખુલતાં મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાનું ગોધરા શહેર એપી સેન્ટર ગણાતું હતું. જોકે પ૦ થી ૧૦૦ સટોડિયાઓ અને પ૦૦ થી વધુ પન્ટરો સક્રિય છે. જેથી તેનો છેડો ગોધરામાં પહોંચે તેવી શક્યતા સેવાતા મોટા ગજાના બુકીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જોકે નાના પાયે બેટિંગ લેવાતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

આઇપીએલની છઠ્ઠી સીઝનમાં સ્પોટ ફિક્સીંગનો પર્દાફાશ થયા બાદ ફિક્સીંગનું ભૂત ફરીવાર ધૂણ્યું છે. ત્યારે અત્યંત સંવેદનશીલ ગણાતા ગોધરા શહેરમાં ક્રિકેટ સટ્ટા સાથે સંકળાયેલા અમુક તત્વો આડાઅવળા થઇ ગયા છે. તો બીજી તરફ સટ્ટો રમનારા અને રમાડનારા પૈકી રમાડનારાઓ ભારે મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. હાલ સ્થિતિ એ છે કે, તેઓ કપાત કરાવનારને મોઢું બતાડવાની સ્થિતિમાં નથી. ઉઘરાણી કરનારાથી બચવા તેઓ ફાંફાં મારવા લાગ્યા છે. આવા કેટલાક તત્વોએ તો પોતાના મોબાઇલ ફોન બંધ કરી દીધા છે. જ્યારે એન્ડ્રોઇડ ફોન ઉપરથી વોટ્સઅપ થકી થતા અમુક ડીલીંગ પણ બંધ થઇ ગયા છે.

હાલના તબક્કે આ બાબતે કોઇ પણ પ્રકારનું જોખમ લેવા માંગતા ન હોય તેમ તમામ ફેલાવા આટોપી લઇ આવા તત્વો શહેરમાંથી ઉચાળા ભરી ગયા છે. નોંધનીય છે કે, મેચ ફિક્સીંગ મામલે હવે પંચમહાલ જિલ્લામાં સટોડિયાઓ ઉપર તવાઇ આવવાની સંભાવના છે. ટૂંકમાં જ પોલીસ આ દિશામાં કાર્યવાહી કરીને સટોડિયાઓને ફરતે ગાળિયો કરે તેવી શક્યતાઓને લઇને મોટાભાગના બુકીઓ અને પન્ટરો આઘાપાછા થઇ ગયા છે. જિ.માં અંદાજિત પ૦ થી ૧૦૦ સટોડિયાઓ પ૦૦ થી વધુ પન્ટરો આ ધંધામાં રોકાયેલા હોવાનું કહેવાય છે. ગુજરાતના સટોડિયાઓની સંડોવણી ખુલી તેની સાથે સટ્ટામાં જોડાયેલા બુકીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.

મોટા ગજાના બુકીઓ ઉપર વિશેષ નજર

સટ્ટાબેટીંગના નેટવર્કનો રેલો ગુજરાત સુંધી પહોંચતા પોલીસ અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ગોધરામાં સટ્ટા બેટીંગને બંધ કરવા માટે એક્શન પ્લાન ઘડી કાઢયો છે. અગાઉ ઝડપાયેલા નામચીન બુકીઓ ઉપર વિશેષ નજર રાખવાની શરૂઆત કરી દીધી છે. તેમજ ખાસ ટીમ બનાવી ચોકસાઇ આરંભવામાં આવી છે.

સચિન બાદશાહ, ડીએસપી