ગોધરામાં 200 દુકાનદારો પાસેથી દંડની વસૂલાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાલિકા દ્વારા રવિવારે દુકાનો બંધ કરવાની સૂચના આપવા છતાં વેપારીઓ બંધ રાખતા ન હતા
- ગોધરામાં ગુમાસ્તા ધારાનો કડક અમલ હાથ ધરવામાં આવતાં દુકાનો સજ્જડ બંધ: પાલિકાની ૧પ અધિકારી સહિ‌ત ટીમ ત્રાટકી


ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક રવિવારના દિવસે મોટા ભાગની દુકાનો ખુલ્લી રહેતી હતી. આ અંગે પાલિકા દ્વારા અવાર નવાર દુકાનો બંધ કરવા સૂચના આપવા છતાં વેપારીઓ બંધ રાખતા ન હતા. જેના ભાગરૂપે પાલિકા તંત્રની ૧પ જેટલા અધિકારી સહિ‌ત સ્ટાફની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ગુમાસ્તા ધારાનો કડક અમલ કરવા ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ૨૦૦ જેટલા દુકાનદારો પાસેથી ૨પ હજાર ઉપરાંતનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જેને પગલે અન્ય દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ દુકાનદારો દ્વારા ગુમાસ્તા ધારાનો કોઇ જ પ્રકારનો અમલ કરવામાં આવતો ન હતો. જેના કારણે રવિવારના દિવસે શહેરની મોટા ભાગની દુકાનો ખુલ્લી જોવા મળતી હતી. આ અંગે નગર પાલિકાના અધિકારીઓ દ્વારા દુકાનદારોને અવાર નવાર મૌખિક સૂચનાઓ આપી દુકાનો બંધ રાખવાની ફરજ પાડવામાં આવતી હતી. તેમ છતાં પણ દુકાનદારો પાલિકાની સૂચનાઓએ નજર અંદાજ કરી ધંધા રોજગાર ચાલુ રાખતા હતા. જેના કારણે પાલિકાના અધિકારીઓ દ્વારા ગુમાસ્તા ધારાનો કડક અમલ શરૂ કરવા માટે તા.૭ જુલાઇના રોજ અભિયાન હાથ ધર્યુ હતું.

જેમાં શહેરના લાલબાગ, એલઆઇસી માર્ગ, પટેલવાડા, બગીચા રોડ, અંકલેશ્વર મહાદેવ રોડ, બામરોલી રોડ, બસ સ્ટેન્ડ વિસ્તાર, ગૌરવપથ રોડ સહિ‌તના વિસ્તારોમાં પાલિકાની ટુકડી પહોંચી હતી. જ્યાં ખુલ્લી રહેલી દુકાનોના માલિકને બંધ કરવા ફરજ પાડવામાં આવી હતી. અંદાજિત ૧પ જેટલા નગર પાલિકાના અધિકારીઓનો સ્ટાફ આ ચેકિંગમાં જોડાયો હતો. ખાસ કરીને કેટલાક દુકાનદારો દ્વારા પાલિકાના અધિકારીઓ સાથે રકઝક કરતા પણ નજરે પડયા હતા. એકાએક પાલિકા દ્વારા શરૂ કરાયેલા ગુમાસ્તા ધારાના કડક અમલને પગલે કેટલાક દુકાનદારોએ અગાઉથી જ દુકાન બંધ રાખી હતી. કેટલાક સ્થળોએ તો પાલિકાના અભિયાનને જોવા માટે આસપાસના લોકો ટોળે વળ્યા હતા. સવારથી જ આરંભાયેલી કામગીરીને પગલે અન્ય દુકાનદારોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. બપોર સુધી ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનોને સજ્જડ બંધ કરાવવામાં આવી હતી. અંદાજિત ચાર થી પાંચ કલાક ચાલેલા આ અભિયાનના ભાગરૂપે ૨૦૦ જેટલા દુકાનદારો પાસેથી ૨પ હજાર ઉપરાંતનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જેને પગલે અન્ય દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે આગામી સમયમાં પણ પાલિકા દ્વારા ગુમાસ્તા ધારાનો કડક અમલ રાખવામાં આવે તેવી શહેરીજનો આશા સેવી રહ્યા છે.

આગામી સમયમાં કામગીરી કાર્યરત રહેશે

રવિવારે ગુમાસ્તા ધારાનો અમલ ફરજિયાત છે. શહેરમાં અનેકવાર આ પ્રકારે કામગીરી કરવામાં આવે છે. પાલિકાની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ સાથે અભિયાન હાથ ધરાયુ હતું. આ સાથે ૨૦૦ ઉપરાંત દુકાનદારો પાસેથી સ્થળ પર ૨પ હજાર ઉપરાંતનો દંડ વસુલ કરાયો છે. તદઉપરાંત આગામી સમયમાં પણ આ કામગીરી કાર્યરત રહેશે. - પ્રતિક્ષ દેસાઇ, પાલિકા શોપ ઇન્સ્પેક્ટર