દાહોદમાં યુવતીને જાહેરમાં ઢસડીને માર માર્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ શહેરના પરેલ સ્થિત સનાતન મંદીર પાસે રોકાવાનો આદેશ નહીં માનનારી યુવતિ ઉપર ઉશ્કેરાયેલા યુવકે તેના વાળ પકડીને રોડ ઉપર ઢસડી-ઢસડીને માર માર્યો હતો. ઘાયલ યુવતિની ફરિયાદના આધારે શહેર પોલીસે યુવક સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારની સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતી મક્તી સુનીલકુમાર ભેદી સાંજના સવા પાંચ વાગ્યાના અરસામાં પરેલ સ્થિત સનાતન મંદીર પાસેથી પગપાળા જઇ રહી હતી. તે વખતે શહેરની જીવનદીપ સોસાયટીમાં રહેતાં હીતેન્દ્ર રસીકલાલ સંગાડાએ મક્તીને તુ ઉભી રહે તેમ કહ્યું હતું. જેથી મક્તીએ પ્રત્યુતરમાં હું શા માટે ઉભી રહું તેમ કહીને આગળ ચાલવા લાગી હતી. તેના કારણે ઉશ્કેરાઇ ગયેલા હીતેન્દ્રએ તેને ગાળો બોલી હતી.આ સાથે મારવા માટે પટ્ટો કાઢતાં તે મક્તીને છીનવીને ફેંકી દીધો હતો.

આ બાબતથી વધુ ઉશ્કેરાયેલા હીતેન્દ્રએ મક્તીના વાળ પકડીને તેને રોડ ઉપર ઢસડી-ઢસડીને માર માર્યો હતો. તેના કારણે માથામાં તેમજ ઘુટણે ઇજા થઇ હતી. આ ઉપરાંત હીતેન્દ્રએ તેના આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના પગલે લોકોનું મોટુ ટોળુ એકઠુ થઇ જતાં હીતેન્દ્ર ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે ફરિયાદના આધારે શહેર પોલીસે ગુનો નોંધી હીતેન્દ્રની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.