શહેરાના મંગલપુરમાં ઘરમાં આગ લાગતાં યુવાન ભડથું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અન્ય બે મકાન પણ આગની લપેટમાં આવી ગયા : રાચરચીલું સહિ‌ત સરસામાન બળીને ખાખ
શહેરાના મંગલપુર ગામે રવિવારની રાત્રે મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં બે મકાન પણ આગની લપેટમાં આવતાં દોડધામ મચી હતી. જોકે આગને કારણે પરિણીત યુવાન બળીને ભડથું થઇ ગયો હતો.
શહેરા તાલુકાના મંગલપુર ગામે રહેતા વિજયભાઇ પરમાર (ઉવ.૩૦) ગત શનિવારે રાત્રે મકાનમાં આરામ કરતા હતા. આ દરમિયાન રાત્રીના સમયે અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઇ હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. જેમાં આસપાસ આવેલા બે મકાન પણ આગની લપેટમાં આવી ગયા હતા. મધ્યરાત્રીના સમયે અચાનક એક સાથે ત્રણ મકાનમાં આગ લાગતાં નાનકડા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.
બીજી તરફ આસપાસના મકાનમાં લાગેલી આગના કારણે અંદર રહેતા રહીશોએ બહાર આવી બુમરાણ મચાવી હોવાનું જાણવા મળે છે. તદ ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા હતા. તેમજ ફાયર ફાયટરોની પણ મદદ લીધી હતી. ગ્રામજનો તથા ફાયર ફાઇટરની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. જોકે શોર્ટ સર્કિટના કારણે જે મકાનમાં આગ લાગી હતી. તેમાં આરામ કરતા વિજયભાઇ બળીને ભડથું થઇ જતાં તેમનું મોત નિપજ્યું હતું. પોલીસે સ્થળ પરીક્ષણ કરતાં આગ લાગવાનું ચોક્કસ કારણ શોર્ટ સર્કિટ હોવાનું બહાર આવ્યું છે. યુવાનની લાશ બહાર કાઢી સ્થળ ઉપર જ પીએમ કરવામાં આવ્યું હતું.