દાહોદમાં બ્રિજના બ્લોક નીચે બાળક દબાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આધાર વગર જ બ્લોક ઊભા કરી દેવાયા હતા
- ગંભીર રૂપે ઘવાયેલા બાળકને ખાનગી દવાખાને ખસેડાયો


દાહોદ શહેરની ગરબાડા ચોકડી પર બની રહેલા નવા ઓવરબ્રિજના ગારખાયા તરફના વિસ્તારમાં કોઇ પણ જાતના ટેકા વગર ઉભો કરી દેવાયેલો બ્રિજનો એક બ્લોક સાંજના સમયે ધરાશાયી થયું હતું. જેમાં ત્યાં નજીકમાં રમતો એક બાળક બ્લોક નીચે દબાઇ જતાં દોડધામ મચી ગઇ હતી. સદભાગ્યે પગો ઉપર જ ઇજા થતાં બાળકનો જીવ બચી ગયો હતો.

દાહોદની ગરબાડા ચોકડી પર તંત્ર દ્વારા પાછલા ઘણા સમયથી બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ગારખાયા વિસ્તાર તરફ બ્રિજની દીવાલો બનાવવા માટે કતાર બંધ બ્લોક ગોઠવી દેવાયા હતાં. જોકે, આ બ્લોકને કોઇ ટેકા મુકાયા ન હતાં. ગારખાયા વિસ્તારમાં જ રહેતો વિશાલ વિષ્ણુ રાવળ (ઉ.વર્ષ-૧૩) બુધવારે સાંજે ત્યાં રમી રહ્યો હતો. ત્યારે કોઇ કારણોસર એકાએક બ્લોક પડતાં વિશાલ તેની નીચે દબાઇ જતાં તેના બંને પગે ગંભીર ઇજા થઇ હતી. આ ઘટના પગલે દોડી આવેલા લોકોએ મહામહેનતે ભારે બ્લોક ખસેડીને વિશાલને ખાનગી દવાખાને ખસેડયો હતો.

પુલ પડતાં કેટલાંક લોકો દબાઇ ગયા હોવાની અફવાને પગલે લોકોના ટોળે-ટોળા ગારખાયા વિસ્તારમાં ભેગા થઇ ગયા હતાં. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આ ઘટનાથી ઉશ્કેરાયેલા લોકોએ કોઇ પણ જાતના ટેકા વગર ઉભા કરી દેવાયેલા તમામ બ્લોક જેસીબીની મદદથી પાડી દીધા હતાં.

અગાઉ ચાર લોકોનો ભોગ લેવાયો હતો

દાહોદ શહેરની ગરબાડા ચોકડી ઉપર બની રહેલાં બ્રિજના સ્થાને થોડા સમય અગાઉ એક ટેન્કરનું બ્રેક ફેઇલ થતાં રાહદારી અને મો.સાઇકલ સવારો અડફેટમાં આવ્યા હતાં. આ અકસ્માતમાં ચાર લોકો મોતને ભેંટયા હતાં. બ્રિજને કારણે અગાઉ ચાર જણાનો ભોગ લેવાઇ ચૂક્યો છે. ત્યારે આ બાળક નસીબનો બળિયો હોવાનો કારણે ઇજાઓ બાદ તે ઉગરી ગયો હતો. બ્રિજની કામગીરી પાછલા લાંબા સમયથી ચાલી રહી છે ત્યારે આ કામગીરી ઝડપી કરીને કામ પૂર્ણ કરાય તેવી લોક માગ ઉઠી છે.