કેમિકલથી પકવેલા ફળોનું ધૂમ વેચાણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાનિકારક દૃવ્યો વપરાતા હોવાથી લોકોની તબિયત પર અસર થઇ રહી છે
લુણાવાડામાં ગરમીની ઋતુ શરૂ થતાની સાથે જ શાકભાજી તથા ફળોની માંગમાં તિવ્ર વધારો થયો છે. સાથે સાથે વેપારીઓ દ્વારા પણ કેમીકલમાં બોળીને પકવેલા ખાસ કરીને કેરી ફળનું વેચાણ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે બીજી તરફ નગરના જ નાગરિકો દ્વારા કરેલી રજૂઆતો તંત્ર ઘોળીને પી રહ્યુ છે.
લુણાવાડામાં મોટા પાયે કેમીકલથી પકવીને ફળો બજારમાં વેચાઇ રહ્યા છે. લાંબા સમયથી સ્ટોક કરેલા કાચા ફળોને પેસ્ટી સાઇડ્સ દ્રવ્યોનો ઉપયોગ કરી ઝેરી, હાનિકારક દ્વવ્યો દ્વારા પકવવાની પ્રવૃત્તિ નગરમાં મોટા પાયે ધમધમી રહી છે. જેના કારણે નગરના બાળકો સહિ‌ત યુવાનો તથા વૃદ્ધોની તબીયત પર માઠી અસર પડી રહી છે. રોગચાળો પણ આ કારણે દિન પ્રતિદિન માથુ ઉંચકી રહ્યો છે. ત્યારે નગર વયોવૃદ્ધ જશવંતલાલ મોહનલાલ શાહ દ્વારા આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી સહિ‌ત કલેક્ટર સુધી લેખીતમાં રજૂઆત કર્યા છતા તેનું પરિણામ શૂન્ય મળી રહ્યુ છે.
ખાસ કરીને બસસ્ટેન્ડની આસપાસના તમામ વિસ્તારમાં આવા કેમીકલથી પકવેલા ફળફળારી વેચાઇ રહ્યા હોવાની જાણ કર્યા બાદ પણ તંત્ર કુંભકર્ણની ઘોર નિંદ્રામાં પોઢી રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. ખાસ કરીને કેરી હાલની ઋતુમાં માંગ વધુ રહે છે. અન્ય વિસ્તારોમાંથી મંગાવવામાં આવતી કેરીના જથ્થાને કેમીકલના ઉપયોગથી પકવવામાં આવીને આરોગ્યને નુકસાન પહોંચાડવાની પ્રયુક્તિથી જાગૃત નાગરિકોમાં નારાજગી છવાઇ છે.
ફરિયાદ મળશે તો તાત્કાલિક સ્કવોર્ડ રચીને પગલા ભરાશે
જો આ પ્રકારની રજૂઆત આવી હોય તો વ્યક્તિગત ધ્યાન પર નથી. તેમ છતાં લુણાવાડા નગરમાં કેલ્શીયમથી ફળો પકવતા હોવાની ફરિયાદ મળશે તો તાત્કાલીક સ્કવોર્ડ રચીને વેપારી સામે પગલા ભરવામાં આવશે. તેની ખાત્રી આપી હતી.
એ.એમ.શાહ, જિલ્લા ફૂડ સેફ્ટી ઓફીસર
કલેક્ટરને રજૂઆત બાદ પણ કોઇ કાર્યવાહી નહી
નગરમાં વેચાતા ફળો તથા શાકભાજી અંગે નગરપાલિકા તંત્રને જાણ કર્યા બાદ યોગ્ય જવાબ ન મળતા જિલ્લા આરોગ્ય અધિકારી તથા કલેક્ટર સુધી લેખીતમાં જાણ કર્યા બાદ પણ તંત્ર હરકતમાં ન આવતા તંત્રને નગરજનોના આરોગ્યની કાંઇ જ પડી ન હોય તેમ લાગી રહ્યુ હતુ.
જશવંતલાલ મોહનલાલ શાહ, અરજદાર