લુણાવાડા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં પુન: ભાજપનો ભગવો લહેરાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લામાં સૌ પ્રથમવાર સહકારી ક્ષેત્રમાં અગ્રણી ગણાતા માર્કેટ યાર્ડની ચૂટણી યોજાઇ

લુણાવાડા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપના ભાનુભાઇ પટેલની ચેરમેન તરીકે તથા ઇકબાલભાઇ સુરતીને વા.ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. આમ ભાજપાએ પુન: સત્તા જાળવી રાખી હતી. નવરચિત મહિ‌સાગર જિલ્લામાં સૌ પ્રથમવાર સહકાર ક્ષેત્રની અગ્રણી ગણાતી લુણાવાડા માર્કેટીંગ યાર્ડની વિવિધ બેઠકો માટે પખવાડિયા પૂર્વે યોજાયેલી ચૂંટણીમાં રાજકિય ગરમાવા વચ્ચે પરિણામ જાહેર થઇને ભાજપ પ્રેરીત ઉમેદવારો વિજેતા નિવડયા હતા.

ત્યાર બાદ ચેરમેન, વાઇસ ચેરમેનના પદ અંગે અનેક ચર્ચાઓ વચ્ચે દાવેદારી મૂકાઇ રહી હતી. જેને અનુલક્ષીને ગુરૂવારે મળનારી સમિતિની બેઠકમાં વરણી પ્રક્રિયાને લઇને વહેલી સવારથી જ માર્કેટયાર્ડ સંકુલમાં વિવિધ વિસ્તારોમાંથી ટેકેદારોના ટોળા જામ્યા હતા. જેમાં ભાજપાએ મેન્ડેટ આપતા શાંતીપૂર્ણ વાતાવરણમાં ભાજપાએ પુન: સત્તા જાળવી રાખી હતી.

જેમાં ભાનુભાઇ પટેલ ચેરમેન તરીકે બિન હરિફ રીતે ચૂંટાઇ આવ્યા હતા. તથા વેપારી ઇકબાલભાઇ સુરતી વા.ચેરમેન તરીકે ચૂંટાયા હતા. છેલ્લા થોડા સમયથી રાજકિય રીતે ચર્ચાસ્પદ બનેલી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં આખરે બિન હરીફ વિજેતા જાહેર કરાયા હતા. જેના કારણે ખેડુત સભાસદોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી.