• Gujarati News
  • After Killing A Young Man From The Dead Body Into Canal

કાલોલ તાલુકાના સાગાના મુવાડા ગામે યુવાનની હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-પીએમ રિપોર્ટના આધારે પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ લીધી: લગ્નના મુદ્દે હત્યાની શંકા
-કણેટીયા ગામના બે શકદાર સામે હત્યા તથા પુરાવાનો નાશનો ગુનો નોંધાયો

કાલોલ તાલુકાના સાગાના મુવાડા ગામે રહેતા પરિણીત યુવાનને બે જણાએ ટેલિફોનિક વાતચીત કરી બોલાવ્યા હતા. ત્યારબાદ યુવાનને કોઇ હથિયાર વડે માર મારી મોતને ઘાટ ઉતારી કેનાલમાં નાંખી દીધો હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો હતો. જે અંગે પીએમ રિપોર્ટના આધારે પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ લીધા બાદ કણેટીયા ગામના બે શકદાર સામે હત્યા તથા પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે.

પ્રાપ્ત માહિ‌તી મુજબ કાલોલ તાલુકાના સાગના મુવાડા ગામે રહેતા નીતીનકુમાર ભગવાનદાસ સોલંકીના લગ્ન હીરાબેન ઉર્ફે હીરલબેન (ઉવ.૨૩) સાથે થયા હતા. ગત ૩૧ ઓક્ટોબરના રોજ યુવાનની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. આથી પોલીસે મૃતકનું પીએમ કરાવ્યું હતું. રિપોર્ટમાં મૃતકનું મોત શંકાસ્પદ લાગતાં પોલીસ ચોંકી ઉઠી હતી. જેથી તાત્કાલિક મૃતકની પત્નીને બોલાવી હતી. જેમાં પત્નીએ આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તે લગ્ન પહેલાં પોતાની બહેન સજ્જનબેનના ઘરે કણેટીયા ગઇ હતી.

જ્યાં લક્ષ્મણભાઇ ઉર્ફે માધો પરમાર તેની બહેનના ઘરે રહેતો હતો. બંને એકબીજાને ઓળખતા હોવાથી યુવાન તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ યુવાન કોઇ કામ ધંધો કરતો ન હોવાથી ઘરના લોકોએ લગ્ન કરાવ્યા ન હતા. ત્યારબાદ તેણે નીતીનકુમાર સાથે લગ્ન કર્યા હતા. વધુમાં મહિ‌લાએ જણાવ્યું હતું કે, લક્ષ્મણભાઇને મનદુ:ખ થયું હતું.

જેની અદાવત રાખી ગત ૩૧ ઓક્ટોબરે નીતીનભાઇને ફોન દ્વારા સંપર્ક કરી સમા નર્મદા કેનાલની પાળ પર બોલાવ્યા હતા. જ્યાં શકદાર એવા જયદિપસિંહ ઉર્ફે ચાપો પરમાર (રહે. કણેટીયા)ની મદદગારીથી તથા લક્ષ્મણભાઇ બંનેએ મળી નીતીનકુમારને માથાના પાછળના ભાગે કોઇ વસ્તુથી ઘા કર્યા હતા. તેમજ મારી નાંખી લાશના પુરાવાનો નાશ કરવા સારુ તેને નર્મદા કેનાલના પાણીમાં નાંખી દીધો હતો. આ ફરિયાદના આધારે કાલોલ પોલીસે હત્યામાં શકદાર તરીકે લક્ષ્મણભાઇ પરમાર તથા જયદિપસિંહ ઉર્ફે ચાપો પરમાર સામે હત્યા તથા પુરાવાના નાશનો ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે. પોલીસે એફએસએલ તથા ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદ લીધી હતી.