લીમખેડા: પંચમહાલ જીલ્લાનાં જંત્રાલ મુકામે ઘનશ્યામ પ્રભુ ગુરૂમંદીરમાં ગુરૂપૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉત્સાહથી ઉજવણી યોજાઇ હતી. અનેક શહેરોથી હજારોની સંખ્યામાં ઉમટેલા ગુરૂભક્તોએ ગુરૂજીની પ્રતિમા તથા પાદુકાનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી. બપોરે મહાઆરતી તથા મહાપ્રસાદીનો ગુરૂભક્તોએ ભક્તિભાવથી લ્હાવો લીધો હતો. ગુરૂપૂર્ણિમાની ઉજવણી દરમિયાન જંત્રાલ ગામમાં ભક્તિમય વાતાવરણ સર્જાયુ હતું.કાલોલ તાલુકાના જંત્રાલ ગામમાં ઋષિકુળ આશ્રમમાં ઘનશ્યામ પ્રભુ ગુરૂ મંદીર આવેલુ છે. આ મંદીરે ઘનશ્યામ પ્રભુની પ્રતિમાની નિયમિત પૂજન અર્ચન થતુ રહે છે. વર્ષ દરમિયાન દર પૂનમના દિવસે ગુરૂભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુરૂજીની ભક્તિભાવથી પૂજા-અર્ચના તથા ભજન સત્સંગ સાથે ભક્તિ કરે છે.
ગુરૂપૂર્ણિમાના દિવસે ઘનશ્યામ પ્રભુ ગુરૂ મંદીરમાં ભવ્ય કાર્યક્રમ યોજાય છે. જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોના વિવિધ શહેરો તથા જંત્રાલ ગામ સહિત આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ગુરૂભક્તો ઉપસ્થિત રહે છે. ગુરૂપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ભજન સત્સંગની રમઝટ બોલાવવામાં આવે છે. તે મુજબ અષાઢ સુદ પુનમ મંગળવારે પણ ગુરૂપૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગુરૂભક્તોએ વહેલી સવારથી ઘનશ્યામ પ્રભુની પ્રતિમાનું તથા પાદુકાનું પૂજન શરૂ કર્યુ હતું. જંત્રાલના રાજુભાઇ ત્રીવેદી તથા દિપકભાઇ મીસ્ત્રીએ ગુરૂભક્તોને પૂજન-અર્ચન કરાવ્યું હતું. બપોરે 12.30 કલાકે મહાઆરતી યોજાઇ હતી. ત્યાર બાદ મહાપ્રસાદીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ઉપસ્થિત ગુરૂભક્તોએ મહાપ્રસાદીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. તેમજ ગુરૂપૂર્ણિમાની એકબીજાને શુભેચ્છા વ્યક્ત કરી હતી. આમ અનેક વર્ષોથી જંત્રાલના ઘનશ્યામ પ્રભુ મંદીરમાં ગુરૂપૂર્ણિમાની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી રહી છે.
આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...