સંતરામપુર સબ જેલમાંથી ભાગેલો આરોપી ઝડપાયો, ફીનાઇલ ગટગટાવ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ભાગી ગયેલો આરોપી લક્ષ્મણ)
સંતરામપુર: સંતરામપુર સબ જેલમાંથી ગત તા.24ના રોજ દિવાલ કૂદીને ભાગી ગયેલા આરોપીને ઝડપી પાડવા પોલીસ આકાશ પાતાળ એક કરી દીધુ હતુ. પરંતુ તે મળી આવ્યો ન હતો. પોલીસ અધિક્ષકે ઉપરોકત આરોપીને ઝડપી પાડવા પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા તેને આસીવાડા ગામેથી ઝડપી પાડયા બાદ તેને સબ જેલમાં ફીનાઇલની બોટલ ગટગટાવતા તેની ગંભીર હાલત જણાતા અમદાવાદમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
સંતરામપુર પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી
ગત તા.24 નવેમ્બરના રોજ સંતરામપુર સબ જેલમાંથી હત્યાનો આરોપી લક્ષ્મણભાઇ પ્રતાપભાઇ ખાંટ રહે.રાણીજીનીપાદેડી, તા.સંતરામપુર સવારના સમયે કુદરતી હાજતે જવા બહાર કાઢેલ તે સમયે જેલગાર્ડની નજર ચુકવીને સીડી ઉપર ચઢી વરંડો કુદી ભાગી ગયો હતો. જે અંગે મહીસાગર પોલીસ અધિકક્ષ ડો.નરેન્દ્ર અમીને ઉપરોકત આરોપીને ઝડપી પાડવા ઇ.ચા.નાયબ પોલીસ અધિક્ષક સી.સી.ખટાણા તથા પીઆઇ એમ.વી.બતુલ, જે.એચ.વાઘેલા, પોસઇ તથા એલસીબી, એસઓજી તથા સંતરામપુર પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.
આરોપીના ઘરે તથા સગાસબંધીઓના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ
જે અંગે પોલીસ સ્ટાફે આરોપીના ઘરે તથા સગાસબંધીઓના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. અને તા.26 નવેમ્બરના રોજ આરોપી લક્ષ્મણભાઇ સંતરામપુરના શિવનેશ્વરી મંદિરની પાછળના ડુંગરમાં સંતાઇ રહ્યો હતો. અને તે ડુંગરના રસ્તા પર થઇ રાણીજીનીપાદીડી થઇ આસીવાડા ગામે તેના ઘરે આવ્યો હોવાની ચોકકસ માહિતી પોલીસને મળતા તેઓએ આરોપીના ઘરે તપાસ કરતા લક્ષ્મણભાઇ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.પોલીસે તેની પુછતાછ કરતા તે જેલમાંથી ભાગીને જંગલમાં સંતાઇ ગયો હતો.
આરોપી લક્ષ્મણભાઇને ભુખ લાગતા તે ઘરે જમવા માટે આવ્યો હતો
જેથી પોલીસના હાથમાં આવી શકયો ન હતો પરંતુ આરોપી લક્ષ્મણભાઇને ભુખ લાગતા તે ઘરે જમવા માટે આવ્યો હતો. અને બપોર બાદ તે ઝડપ્યા બાદ સંતરામપુર સબ જેલના બાથરૂમમાં મુકેલ રાખેલ ફીનાઇલ ગટગટાવતા તેની હાલત ગંભીર જણાતા પોલીસે તેને પ્રથમ સંતરામપુરની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેમ છતાં તેની તબીયતમાં કોઇ સુધારો ન જણાતા વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
અન્ય સમાચારો પણ છે...