તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Jhalod News Starting Without Raising Taxes On Adolescent Tolls Without Advertising 024150

જાહેરાત વગર જ લીમડી ટોલ પર ટેક્સ ઉઘરાવવાનું શરૂ કરતાં હલ્લો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં લીમડી નજીક નવીન બનાવાયેલા દાહોદ-બાંસવાડા નેશનલ બાયપાસ હાઇવે સ્થિત ટોલબુથ ઉપર જાહેરાત વગર જ દિનેશચંદ્ર આર.અગ્રવાલ ઇન્ફ્રાકોન કંપની દ્વારા ટોલ વસૂલવાનું ચાલુ કરવામાં આવતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો હતો. આ મામલે આસપાસની પ્રજા અને વાહન ચાલકોએ ટોલબૂથ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. સોમવાર પ્રથમ દિવસે સવાર માંથી ટોલ દ્વારા ઉઘરાણું ચાલુ કરવામાં આવતા મામલો બિચક્યો હતો.સ્થાનિકો ટોલ ન આપવાના વિરોધ સાથે ટોલ આગળ જ પોતાના વાહનો ઊભા રાખીને હલ્લાબોલ કરી હતી.કંપની દ્વારા એકાએક ટોલ ઉઘરાવનું ચાલુ કરવામાં આવતા તાલુકા આખામાં આ મુદ્દે માહોલ ગરમાયો હતો.જેથી ટોલ ખાતે કોઈ ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. લીમડી પાસે ટોલ ઉઘરાવનું ચાલુ કરાયાનું જાણ થતાં સ્થાનિક મોટર માલિકો, ખાનગી વાહન ચાલકો સહિતના વિવિધ વાહન માલિકો તથા એસો. ઉમટી પડ્યા હતા.સ્થાનિક રોજગારી માટેના વાહનોને ટોલ માંથી મુક્તિ આપવા માટે માંગણી કરવામાં આવી હતી. ઘટના પગલે ટોલબુથ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ભારે હોબાળા બાદ જ્યાં સુધી અન્ય પાસ સહિતની વ્યવસ્થા ન કરાઇ ત્યાં સુધી ટોલ બૂથ પર સ્થાનિક તમામ વાહનોને ટોલ વિના પસાર કરવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.

સ્થાનિકો માટે પાસ સહિતની વ્યવસ્થા કરાશે
દિનેશચંદ્ર આર.અગ્રવાલ ઇન્ફ્રાકોન કંપની દ્વારા ટોલ ચાલુ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે ટોલ પર સ્થાનિક વાહનચાલકો સાથે રકજક થઈ હતી. ટૂક સમયમાં સ્થાનિકો માટે પાસ સહિતની અન્ય વ્યવસ્થા કરવામાં આવશે. રાજીવકુમાર શર્મા, ટોલ મેનેજર

સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ આપવી જોઇએ
લીમડી ખાતેનો ટોલ બારોબાર ચાલુ કરવામાં આવ્યો છે. તેમજ સ્થાનિકો વાહનો રોજના અનેકવાર પસાર થવાના છે. જેથી સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવી જરૂરી છે. વાલાભાઈ ગારી, સ્થાનિક

ઝાલોદથી લીમડી અને લીમખેડા જવા 7 કિમીના Rs. 100નો ટોલ આપવો પડશેઝાલોદ તાલુકા માંથી પસાર થતાં દાહોદ-બાંસવાડા બાયપાસ નેશનલ હાઇવે પર નવીન ટોલબૂથ ઊભું કરવામાં આવ્યું છે. ટોલ ચાલુ થતાની સાથે જ વિવાદમાં આવી ગયો હતો.પ્રથમ દિવસે ટોલબૂથ પર આખો દિવસ રકઝકના દ્રશ્યો સાથે વિરોધ જોવા મળ્યો હતો.કંપની દ્વારા Rs. 65 થી લઈને Rs. 435 સુધીનો વિવિધ વાહનો પર ટોલ નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે ઝાલોદથી લીમડી અને લીમખેડા ધંધા-રોજગાર અને અન્ય કામ અર્થે જતાં ચાલકોને આવવા-જવામાં ફક્ત સાત કિલોમીટરના Rs. 100 ટોલ આપવો પડશે.લીમખેડા તરફ જતાં ચાલકોને સાત કિમી બાદ ટોલ રોડની સુવિધા વિના ટોલના નાણાં ચુકવવાના હોવાથી ચાલકોમાં ચર્ચાનો વિષય જોવા મળ્યો હતો. ઝાલોદથી લીમડી અને લીમખેડા જતો રસ્તો સિંગલપટ્ટી છે. ત્યારે કંપની ફક્ત સાત કિમીના Rs. 100નો ટોલ લગતા વાહન ચાલકો અસમંજસની સ્થિતિમાં મુકાયેલા જોવા મળ્યા હતા.જવાબદાર તંત્ર દ્વારા આ મામલે ચર્ચા-વિચારણા કરવી જરૂરી જણાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...