દાહોદ: ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામના તળાવ ફળિયામાં રહેતાં પારસિંગભાઇ ભલાભાઇ ભુરિયાનો જમણા સાથળમાં ગોળી ધરબેલો મૃતદેહ 19મી ઓગષ્ટના રોજ મીરાખેડી ગામના તળ ફળિયામાં રોડથી દસ મીટર અંદરના ભાગે ઝાડી સ્થિત ખાડામાંથી મળી આવ્યો હતો. મૃતક પારસિંગના ગજવામાંથી 9 હજાર રૂપિયા અને કારતુસ પણ મળ્યો હતો. આ રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલવા ગોધરા રેન્જના પોલીસ મહાનીરીક્ષક મનોજ શશીધરની સુચનાના આધારે એસ.પી હિતેશ જોયસરના માર્ગદર્શનમાં એલસીબી પીએસઆઇ પી.બી જાદવ, એસઓજી પીએસઆઇ એન.જે પંચાલ, તેમજ લીડી પીએસઆઇ પી.એમ જુડાલ અને એચ.પી દેસાઇની આગેવાનીમાં ત્રણ જુદી-જુદી ટીમો બનાવાઇ હતી.તલસ્પર્શી તપાસમાં કાળીમહુડી ગામના નગા ઉર્ફે નાગેશ તાજસિંગ નીનામા અને લીલવાઠાકોર ગામનાયોગેશ મોહન ખાંડુગાની ધરપકડ કરતાં તેમણે રૂખડી ગામે હથિયારોની ડીલ વેળા થયેલી બોલાચાલીમાં નગાએ ઇન્ડિગો કારમાં જ પારસિંગની સાથળમાં ગોળી ધરબી દેતાં તેનું મોત થયું હતું.
આર્મસ એક્ટ મૂજબ ગુનો દાખલ
ત્યાર બાદ લીલવાઠાકોર ગામના યોગેશ મોહન ખાંડુગા, ડુંગરા ગામના કારના ચાલક કિરણ પુંજા તેમજ અન્ય એક અજાણ્યાની મદદથી મૃતદેહ સગેવગે કર્યાની કબૂલાત કરી હતી. આ બંને પાસેથી એક માઉઝર, કારતુસ અને કાર જપ્ત કરી હતી. પરથમપુર ગામના ભીમસિંગ તેરસિંગ હઠીલાની પણ હથિયારોના વેપારમાં સંડોવણી હોવાની કબૂલાતના આધારે તેના ઘરે છાપો મારીને પોલીસે એક દેશી હાથ બનાવટની માઉઝર પીસ્ટલ અને દેશી તમંચો કબજે લઇ તેને પણ પકડ્યો હતો. ભીમસિંગ સામે આર્મસ એક્ટ મુજબ ગુનો દાખલ કરાયો હતો. રિમાન્ડ વેળા આ ટોળકીએ વેચેલા વધુ હથિયારો જપ્ત થવાની પોલીસ આશા સેવી રહી છે.
મધ્ય પ્રદેશના બાગથી હથિયારોની ખરીદી
નગા ઉર્ફે નાગેશ અને તેના સાગીરતો અલીરાજપુર જિલ્લાના બાર ગામે સીકલીગર પાસેથી હથિયારો ખરીદીને લાવતાં હતાં. લીમડી તેમજ આસપાસના વિસ્તારમાં તેઓ આ હથિયારો વેચી દેતાં હતાં. આ ટોળકીએ કેટલા લોકોને હથિયારો વેચ્યા છે તે હજી સામે આવ્યું નથી.