પંચમહાલમાં ૪ મહિ‌નામાં ચોરાયેલાં ૭ ટ્રેક્ટરની ચોરીનો પર્દાફાશ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચોરીનો ભેદ ઉકેલ્યો પરંતુ મુદ્દામાલ કબજે નહીં કરતાં અનેક પ્રશ્નાર્થ
- ટ્રેક્ટર ચોરી ગેંગના ૧ની ધરપકડ : એક પણ ટ્રેક્ટર પોલીસના હાથ લાગ્યું નથી


પંચમહાલ જિલ્લામાં છેલ્લા ચાર માસમાં અલગ અલગ પોલીસ મથકની હદમાંથી ટ્રેક્ટરની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાઇ હતી. આમ દિનપ્રતિદિન વધતી ચોરીના પગલે એલસીબી પોલીસે તપાસ આરંભતાં એકની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં તેની ગેંગ દ્વારા સાત ટ્રેક્ટરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પરંતુ પોલીસ સ્ટાફ દ્વારા કોઇ પણ ટ્રેક્ટર કબજે લેવાયું નથી. આમ માત્ર ચોરીનો ભેદ ઉકેલ્યો છે પરંતુ મુદ્દામાલ કબજે નહીં કરતાં અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે.

ગોધરા, હાલોલ તથા વેજલપુર પોલીસ મથકની હદમાંથી છેલ્લા ૪ માસમાં અંદાજિત ૭ ઉપરાંત ત્રણ લાખની ઉપરાંતના ટ્રેક્ટરની ચોરી થઇ હોવાની ફરિયાદ જે તે પોલીસ મથકે નોંધાઇ હતી. દિનપ્રતિદિન વધતા ચોરીના બનાવથી પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડી ગયા હતા.

બીજી તરફ એલસીબીને મળેલી બાતમીના આધારે તાજેતરમાં યાકુબ અબ્દુલ સત્તાર કઠીયા ઉર્ફે વેજલીયો (રહે. સાતપુલ વિસ્તાર,ગોધરા)ની ધરપકડ કરાઇ હતી. તેની તલસ્પર્શી‍ પૂછતાછ કરાતાં તેઓની ગેંગમાં અન્ય માણસો હોવાનું જણાવ્યુ હતું. જેમાં કાસમ ઉર્ફે કાલીયો અબ્દુલ અજીજ, હારૂન રફીક વલીવાંકા, તથા ઇશાક ઉર્ફે છોટે ઇસ્માઇલ શકલા હતા. તેઓએ ભેગા મળી જિલ્લાના અલગ અલગ સ્થળ ઉપરથી સાત ટ્રેક્ટરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જે ઝાલોદ પાસે રહેતા એક વ્યક્તિને વેચ્યા હોવાનું બહાર આવ્યું હતું. જે ચોરીનો મુદ્દામાલનો કબજો લેવા માટે પોલીસે તપાસ લંબાવી છે.

તમામ ટ્રેક્ટર રાજસ્થાન હોવાનું પણ પોલીસનું અનુમાન છે. હાલ પોલીસે ઝડપી પાડેલા યાકુબ ઉર્ફે વેજલીયોને તાલુકા પોલીસને હવાલે કર્યો છે. જ્યારે નાસતા ફરતા અન્ય આરોપીની શોંધખોળ આરંભી છે. તદ ઉપરાંત પોલીસ સ્ટાફ દ્વારા એક પણ ટ્રેક્ટર કબજે લેવામાં આવ્યું ન હોવાથી અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે. આમ માત્ર ચોરીનો ભેદ ઉકેલી એલસીબી પોલીસે સંતોષ માણ્યો છે. જોકે ટૂંક સમયમાં ચોરી થયેલા તમામ ટ્રેક્ટરો કબજે લેવામાં આવશે તેમ પોલીસ અનુમાન લગાવી રહી છે.