કડાણામાં ૬ ઉપરાંત દૂધાળી ભેંસ ટપોટપ મોતને ભેટતાં ચકચાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-સંઘરી, લેંબોની વાવ, ચાલિયા બીડમાં ભેદી રોગચાળાથી ભેંસોના મોતથી પશુપાલકોમાં ગભરાટ
-આરોગ્ય પરીક્ષણમાં બેક્ટેરિયાથી શ્વસન તંત્રની બીમારી હોવાનું બહાર આવ્યું

કડાણા તાલુકાના સંઘરી, લેંબોની વાવ, ચાલીયા બીડ સહિ‌તના ગામોમાં ભેદી રોગચાળાને લઇને અચાનક છેલ્લા કેટલાક દિવસોથી ૬ ઉપરાંત દૂધાળી ભેંસ ટપોટપ મોતને ભેટતાં પશુ પાલકોમાં ગભરાટની લાગણી વ્યાપી ગઇ છે. જોકે આરોગ્ય પરીક્ષણ બાદ બેક્ટેરિયાથી શ્વસન તંત્રની બીમારી હોવાનું બહાર આવ્યું હતું. હાલ સ્થિતિ કાબૂમાં છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી સાથે પશુ પાલન પ્રજાનો મુખ્ય વ્યવસાય છે. અને દૂધાળા પશુઓની લાલન પાલન બાદ દૂધ વેચાણથી પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે. ત્યારે બિમાર પડતા પશુઓને લઇને પશુ પાલકો ચિંતામાં મુકાતા હોય છે. તેવો જ બનાવ કડાણા તાલુકાના પાંચેક ગામમાં બનતાં ગભરાટ વ્યાપ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ચોમાસાના માહોલને લઇને બદલાયેલા વાતાવરણથી પશુ પાલનના આરોગ્ય પર અસર થઇ રહી છે. તે મુજબ તાલુકાના લેંબાની વાવ, સંઘરી, રણ, ચાલીયા બીડ સહિ‌તના ગામોમાં ભારે વરસાદના કારણે સતત પાણીમાં રહેવાની સાથે લીલો ઘાસચારો આરોગતા પશુઓને લાંબા સમય પછી બીમારી ઉત્પન્ન થઇ હોવાનું જણાવ્યું હતું.

જોકે લીલા ઘાસચારામાં સૂર્ય પ્રકાશ વચ્ચે નાઇટ્રેટ પોઇઝન થતું હોય છે. તેવી શરૂઆતમાં ધારણાઓ બંધાઇ હતી. તાજેતરમાં આ ગામોમાં રહેતા હરિલાલ પટેલ, ભૂલાભાઇ પટેલ, દિનેશભાઇ પટેલ જેવા ખેડૂતોની ભેંસો છેલ્લા કેટલાક સમયમાં ભેદી રોગને પગલે અંદાજિત ૬ ઉપરાંત ભેંસ સહિ‌ત પશુના મોત નિપજ્યા હોવાનું તેઓ જણાવી રહ્યા છે. દૂધાળી પશુના મોત થવાને લઇને આર્થિ‌ક નુકસાન પહોંચવાની સાથે અન્ય પશુઓને લઇને ચિંતામાં મૂકાયા છે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં મોટે ભાગે પશુ પાલન મુખ્ય વ્યવસાય છે તેવા સમયે અન્ય પશુઓમાં રોગ ન થાય તે માટે આરોગ્ય સુવિધાઓ પુરી પાડવાની માંગ કરાઇ છે. આ અંગેની જાણ થતાં મુનપુર પશુ ચિકિત્સાલયની ટીમે જરૂરી નમુના પરીક્ષણ અર્થે આણંદ મોકલાવ્યા હતા. જેમાં બેક્ટેરિયાથી શ્વસનતંત્રની બીમારી હોવાનું જણાયું હતું. પરંતુ કોઇ રોગચાળાની બાબતને તંત્ર નકારી રહ્યુ છે.

રિપોર્ટ નેગેટિવ આવતાં રોગચાળો નથી
હવા તેમજ ખોરાકની અસરના કારણે ઇંફેકશનથી શ્વસનતંત્રની બિમારીથી છેલ્લા ૧પ દિવસથી ૬ ઉપરાંત ભેંસોના મોત થયા હોવાનું જાણવા મળે છે. જોકે સરકારી તંત્ર દ્વારા લેવાયેલા રિપોર્ટ નેગેટિવ આવતા કોઇ રોગચાળાનું કારણ નથી. અને ચોક્કસ ખેડૂતની જ ભેંસ મોતને ભેંટયા બાદ હાલ કોઇ ગંભીર કારણ નથી.
ડો .પી.એમ.પટેલ, પશુ ચિકિત્સક