ગોધરામાં 250 રહીશોને આખરી નોટિસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શહેરના ૩૯પ૧પ જેટલા મિલકત ધારકો પાસે રૂા.૭ કરોડ જેટલા લહેણા બાકી
- અરજદારો અગાઉ પાઠવાયેલી નોટિસોને તેઓ ઘોળીને પી જતાં સપાટો

ગોધરા નગર પાલિકાની કથળેલી આર્થિ‌ક સ્થિતી વચ્ચે પ્રથમ તબક્કામાં લાંબા સમયથી અંદાજીત રૂા.૪૦ લાખના બાકી કરવેરા ધરાવતા ૨પ૦ જેટલા રહીશોને આખરી નોટીસ પાઠવી છે. માત્ર ત્રણ દિવસની મુદ્દતમાં રકમ ભરપાઇ નહી કરવામાં આવે તો વિવિધ સુવિધાઓ કાપવાની સાથે મિલ્કત જપ્ત કરી હરાજી કરીને વસુલાત કરવા સુધીની ચિમકી ઉચ્ચારાતા ફફડાટ વ્યાપી ગયો છે.

ગોધરા નગર પાલિકામાં આવેલા ૧૪ ર્વોડમાં અંદાજીત ૧.પ૦ લાખ જેટલા રહીશો રહે છે. તેઓને સફાઇ, સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિ‌તની પુરી પાડવામાં આવતી સુવિધાની સામે નગર પાલિકા દ્વારા દર વર્ષે વેરા વસુલવામાં આવે છે. હાલ શહેરના ૩૯પ૧પ જેટલા મિલ્કત ધારકો પાસેથી વર્ષોથી રૂા.૧૦ કરોડ જેટલી વસુલાત સામે ચાલુ વર્ષે રૂા.૩ કરોડ જમા થઇને બાકીની રૂા.૭ કરોડ જેટલા લહેણા બાકી બોલે છે.

આગામી માર્ચ માસને અનુલક્ષીને અને દિવસે દિવસે પાલિકાની થઇ રહેલી આર્થિ‌ક સંકટને હળવુ કરવા વેરા નોટીસ પાઠવી છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી અને રૂા.૧૦ હજારથી વધુ રકમ ભરપાઇ કરવામાં અરજદારો દ્વારા ગલ્લા તલ્લા કરવાની સાથે અગાઉ પાઠવાયેલી નોટીસોને તેઓ ઘોળીને પી જતા પાલિકા તંત્ર દ્વારા કડક વસુલાત અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.

પ્રથમ તબક્કામાં ૨પ૦ જેટલા બાકીદારોની અલગ તારવણી કરાતા તંત્ર ચોંકી ઉઠયુ હતુ. હાલ વિવિધ ર્વોડમાં રહેતા આવા નિષ્ક્રીય કરદાતાઓને ગુજરાત મ્યુનીસીપલ એક્ટ ૧૯૬૩ની કલમ ૧૩૩/૨ તથા કલમ ૧૩૪/૪ અન્વયે નગર પાલિકા દ્વારા આખરી કારણદર્શક નોટીસ પાઠવતા તેઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ નોટીસની ત્રણ દિવસની મર્યાદામાં રકમ જમા કરાવવાની હોય છે.

અન્યથા મિલ્કત જપ્ત સાથે હરાજી કરવાની ચિમકી દર્શાવતી નોટીસમાં જણાવ્યુ હતુ કે, મ્યુનીસીપલ એક્ટ ૧૯૮ મુજબ મળેલ અધિકાર રૂએ મકાનમાં તેમજ મિલ્કતમાં પ્રવેશ કરી વસુલાતનો સ્ટાફ મુખત્યાર છે. જેથી ત્રણ દિવસમાં બાકી નિકળતા વેળા નહી ભરપાઇ કરાય તો મુદ્દત બાદ પાણીપુરવઠો સહિ‌તની સુવિધા રોકવાના સખ્ત પગલા ભરવામાં આવશે. અને મિલ્કત જપ્ત કરી જાહેર હરાજી કરી બાકી નિકળતી રકમ વસુલાતમાં જો દખલ કરનાર શખ્સ સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરાશે એમ જાણવા મળે છે.

બીજા રાઉન્ડમાં પ૦૦ કરદાતા ઝપેટમાં આવશે

ગોધરા નગર પાલિકા દ્વારા પ્રથમ રાઉન્ડમાં ૨પ૦ જેટલા રહીશોને આખરી નોટીસ ફટકારી છે. હજુ ૧૪ ર્વોડ દિઠ બાકી કરદાતાઓની યાદી તૈયાર કરવાની કામગીરી હાથ ચાલી રહી છે. હજુ વર્ષોથી અડધી રકમ ભરતા અને બાકી રાખતા એવી રૂા.૧૦ હજારથી નીચેના બાકીદારો પ૦૦ જેટલા કરદાતાઓ નિકળે તેવી વકી છે. અને બીજા તબક્કામાં તેઓને પણ આખરી નોટીસ પાઠવવાની તૈયારી આદરી છે.

ધીરે ધીરે બજવણી કરી વસુલાત આદરાશે

પ્રથમ તબક્કામાં બાકી ૨પ૦ જેટલા કરદાતાઓને આખરી નોટીસની ધીરે ધીરે બજવણી થઇ રહી હોવાનું જણાવતા વેરાવસુલાત અધિકારી એમ.જી.પદવાણીએ ઉર્મેયુ હતુ કે, તેઓના ઘરે પહોંચીને સુવિધા કાપવા સુધીની કાર્યવાહી કરી વસુલાત આદરવામાં આવનાર છે. હવે નજીકના સમયમાં સરકારી સંસ્થાઓ પાસેથી પણ બાકી રકમ અંગે વસુલાત કામગીરી હાથ ધરાશે. એમ.જી.પદવાણી, વસુલાત અધિકારી