દાહોદમાં જમીનમાં દાટેલો ૧.૪૩ લાખનો વિદેશી દારૂ જપ્ત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-જાલતમાં પ.૩પ લાખનો અને વરમખેડામાં નદીના પટમાંથી ૨ લાખનો જથ્થો જપ્ત
-જિલ્લામાં હોળીનો પર્વ જોતા બૂટલેગરો દારૂનો સ્ટોક કરવામાં લાગ્યા છે ત્યારે પોલીસ પણ સક્રિય બની

દાહોદ જિલ્લામાં હોળીનો પર્વ જોતા બૂટલેગરો દારૂનો સ્ટોક કરવામાં લાગ્યા છે ત્યારે પોલીસે પણ દારૂનું વેચાણ બંધ કરાવા કમર કસી હોય તેમ ગુરુવારે પણ ત્રણ મોટા કેસ કર્યા હતાં. જેમાં દાહોદમાં તો ઘર આગળ આખા ૨૨ ખાડા ખોદીને તેમાં દાટેલો ૧.૪૩ લાખનો દારૂ જપ્ત કરાયો હતો. આ ઉપરાંત જાલત ગામે પણ ઘરમાંથી પ.૩પ લાખ અને વરમખેડામાં તો નદીના પટમાં પડેલો ૨.૧૬ લાખનો જથ્થો જપ્ત કરીને બૂટલેગરો સામે ગુના દાખલ કર્યા છે.

દાહોદ શહેરના સિંગલ ફળિયામાં જમીનમાં દાટીને વિદેશી દારૂ સંતાડી રાખ્યો હોવાની બાતમીના આધારે પી.આઇ જે.એન પંચાલ સહિ‌તના સ્ટાફે છાપો માર્યો હતો. સંગીતાબહેન સાંસી અને લક્ષ્મીબહેન સાંસી નામક લીસ્ટેડ બૂટલેગરોના ઘરોમાં તપાસ કરતાં કંઇ મળ્યું ન હતું પરંતુ તેમના બંનેના ઘર આગળ પોલીસે સમતલ કરેલી જમીનમાં એક પછી એક ૨૨ ખાડા ખોદતાં તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સંગીતાના ઘર આગળ ખાડા ખોદીને ૮પ,૭પ૦ રૂપિયાની વિદેશી દારૂની ૧૨૭પ બોટલો જપ્ત કરી હતી.

આ સાથે લક્ષ્મીબહેનના ઘર આગળના ખાડાઓમાંથી પણ ૩પ,૬૦૦ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની પ૮૧ બોટલો જપ્ત કરી હતી. પોલીસે કુલ ૧.૨૧ લક્ષ્મીબહેન તથા સંગીતાની ધરપકડ કરી હતી જ્યારે આ જથ્થો સંતાડાવામાં સંડોવાયેલી મનબાઇ સાંસી ફરાર થઇ ગઇ હતી. તેવી જ રીતે એલસીબી પીઆઇ એમ.આર સોલંકી અને કતવારા પીએસઆઇ આર.સી કાનમિયા સહિ‌તના સ્ટાફે સવારે દાહોદ તાલુકાના જાલત ગામે અર્જુન સુરમલ પણદાના ઘરે છાપો માર્યો હતો. તલાશી દરમિયાન અહીંથી પ,૩પ,૧૦૦ની વિદેશી દારૂની ૮૯૭૨ બોટલો મળી આવતાં ફરાર થયેલા અર્જુન સામે કતવારા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો.

ત્યાર બાદ દાહોદ તાલુકાના જ વરમખેડા ગામે દાહોદ- ગરબાડા રોડ પર ખાનનદીના પટમાં દારૂ પડયો હોવાની બાતમીના આધારે એલસીબી અને દાહોદ તાલુકા પોલીસ મથકની ટીમે ત્યાં તપાસ ધરી હતી. ત્યારે નદીના પટમાં ઝાડીઓમાં સંતાડી રાખેલી ૯૦ પેટીમાંથી એવરીડે બ્રાન્ડની ૪૩૨૦ બોટલો મળી હતી. ૨.૧૬ લાખનો દારૂ જપ્ત કર્યા બાદ તપાસ કરતાં જથ્થો વરમખેડા ગામના રાજુ બચુ બારિયાનો હોવાનું ખુલતાં એલસીબીના કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ ચાવડાએ તેની સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.