હાલોલ પાસેથી શંકાસ્પદ કારમાંથી 1.50 લાખનો દારૂ મળી આવ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પોલીસે કાર આંતરતાં જ ચાલક ભાગી છૂટયો
- 1.50 લાખના દારૂ સહિ‌ત ૮.પ૧ લાખનો મુદ્દામાલ જપ્ત

હાલોલ ગોધરા રોડ ઉપર નવજીવન ત્રણ રસ્તા નજીકથી હાલોલ પોલીસે સ્વીફ્ટ કારમાંથી ૧.પ૦ લાખના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સાથે અમદાવાદના કાર માલિક ઇસમ વિરૂદ્ધ ગુનો દાખલ કરી ૮.પ૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. કાર ચાલક ચાવી લઇને ભાગી જવામાં સફળ થતાં પોલીસે ક્રેઇનની મદદથી કાર પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ વર્તુળો દ્વારા મળતી માહિ‌તી મુજબ, હાલોલના ઇન્ચાર્જ પીઆઇ બાજપાઇને મળેલી ગુપ્ત બાતમીના આધારે તા.૨૭ મેની રાત્રિએ હોટલ નવજીવન પાસે નાકાબંધી કરીને ચેકીંગ હાથ ધર્યુ હતુ. દરમિયાન ગોધરા તરફથી આવતી સ્વીફ્ટ કારનો ચાલક પોલીસને જોઇને કાર રોડ ઉપર મૂકીને જ ભાગી ગયો હતો. પોલીસે આ સ્વીફ્ટ કારમાં ચેકીંગ કરતા કારમાં વિદેશી દારૂની ૪પ પેટી જેમાં ૬૬૦ બોટલ હતી. આ વિદેશી દારૂનો જથ્થો જેની કિમંત ૧,પ૦,૦૦૦ સ્વીફ્ટ કારની કિંમત ૭,૦૦,૦૦૦ અને એક હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ ૮.પ૧ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

સ્વીફ્ટ કારમાંથી મળેલી સર્વિ‌સ બુકમાં કાર માલિક તરીકે અમદાવાદના જાવેદખાન પઠાણ (રહે.૨૨ નિઝામ પાર્ક, અમદાવાદ)નું નામ હતુ. જેથી પોલીસે તેની વિરૂદ્ધ પ્રોહિ‌બિશનનો ગુનો દાખલ કર્યો હતો. તેમજ ચાલક કારની ચાવી લઇ ભાગી છૂટવામાં સફળ રહેતા દારૂ ભરેલી કાર પોલીસે ક્રેનની મદદથી હાલોલ પોલીસ મથકે લાવવામાં આવી હતી.

દારૂની બોટલ પર હરિયાણા એક્સાઇઝનું સીલ

હાલોલ કાલોલ રોડ ઉપરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાયાના પ્રકરણમાં કારમાંથી મળી આવેલ દારૂની બોટલોના બુચ ઉપર ગર્વન્મેન્ટ ઓફ હરિયાણા એક્સાઇઝ કમિશ્નરની સીલ લગાવેલ હતી. જેના ઉપરથી ફલિત થાય કે પ્રથમ તો દારૂનો જથ્થો કંપનીમાંથી કોઇએ એક નંબરમાં લીધા પછી તેને ગુજરાતમાં ઠાલવવામાં આવ્યો હશે.