ભાસ્કર લાઈવ / વાઘ દેખાયો’તો ત્યાંથી બસ નીકળેેે એટલે લોકો ફોટો લેવા ફોનનો કેમેરા ચાલુ કરી નાખે છે

વાઘની શોધ માટે નાઇટ વિઝન કેમેરા લગાવવામાં આવ્યાં
વાઘની શોધ માટે નાઇટ વિઝન કેમેરા લગાવવામાં આવ્યાં
X
વાઘની શોધ માટે નાઇટ વિઝન કેમેરા લગાવવામાં આવ્યાંવાઘની શોધ માટે નાઇટ વિઝન કેમેરા લગાવવામાં આવ્યાં

  • વાઘની હાજરીથી ખેતરોમાં ભૂંડ દ્વારા ભેલાણ થતું અટક્યાથી ગામલોકોમાં ખુશી 
  • હવે એકલ દોકલ ઢોર ચરાવવા કે લાકડાં લેવા જંગલમાં જવામાં પણ ભય
  • મહિલાઓ કાકડાં લઇ દીપડાની સામે થઇ જતી, હવે કાકડાં ચલણ ફરી વધી જશે  

Divyabhaskar.com

Feb 13, 2019, 08:01 AM IST

મનીષ પંડ્યા, સંતરામપુરથીઃ વાઘ આવ્યો, વાઘ આવ્યો...બસ એક માત્ર આ જ વાત. દરેક આંખો વાઘને શોધતી હતી, દરેક કાન પર માત્ર એક જ નામ હતું વાઘ, રોમાંચ પણ હતો અને ભય પણ. અચાનક એક બસ નીકળી. આ વિસ્તાર આવતાં જ ગતિ ધીમી થઇ ગઇ. બસ શહેરાથી પાનમ ડેમ તરફ જતી હતી. બસ ગઢ ગામ માતાના મંદિરના નાળા પાસે પહોંચી અને તરત જ જ મુસાફરો બારીના કાચમાંથી ડોકિયું કરવા લાગ્યા.

100થી વધુ વનકર્મીઓની 11 ટુકડીઓ વાઘનું પગેરુ મેળવવા કામે લાગી ગઇ હતી

1. માત્ર એક વાઘની જ તલાશ થતી
વાઘ આ રસ્તે દેખાયો હતો, તેવી વાતો કરી કેટલાક મુસાફરો ઉભા થઇ ગયા. જો વાઘ દેખાઇ જોય તો એવી આશાએ બધાએ મોબાઇલનો કેમેરા પણ ઓપન કરી દીધો હતો. આખા રસ્તે જંગલ પર નજર ફરતી હતી, માત્ર એક વાઘની જ તલાશ થતી હતી. રસ્તા પર વાહનની રાહ જોઇ ઉભેલા લોકોની આંખોમાં પણ ભય વર્તાતો હતો. જોકે, કોલોની તરફ જતા રસ્તે રહેણાંક વિસ્તારમાં વાઘનો કોઇ ડર નહતો. નાની બાળકીઓ મસ્તીથી ઠીકરી રમતી હતી. યુવાનો દુકાનો પર ટોળે વળી વાઘની ચર્ચાઓ કરતા હતાં. વૃદ્ધો તો અહીં વાઘ આજનો થોડો છે ! અમે તો વર્ષોથી વાઘ હોવાનું કહેતા હતા પણ આ વનવિભાગ વાળા માનતા જ નહોતા તેમ કહી પોતાનો કક્કો ખરો કરી રહ્યા હતાં
2. વાઘ મામાની મહેમાનગતિ પણ કરવી પડશે
કોલોનીથી ડેમનો રસ્તો ભેંકાર હતો. ઓછી અવરજવર, સૂકા પાંદડાવાળું વન વાઘની હાજરી હોવાનો અહેસાસ કરાવતો હતો. એક અઠવાડિયા પહેલાં જ આદિવાસીની ગાયનું મારણ કર્યું છે, ત્રણ દિવસ પહેલાં જ રાત્રે વાઘનો અવાજ સાંભળ્યો હતો, 6 દિવસ પહેલા જ વાઘે કાળુભાઇને ટક્કર મારી હતી એવા કિસ્સાઓ ચાલી રહ્યા હતા. લોકો એમ પણ કહેતા હતા કે તમે ઉભા છો એ જગ્યા પર પણ વાઘની અવરજવર છે.
3. આ રીતે મેગા ઓપરેશન પ્લાન કર્યું
રાતભર વનવિભાગના અધિકારીઓના વાહનો આ વિસ્તારમાં આંટાફેરા કરી રહ્યા હતાં. મંગળવારે સવારે વનવિભાગે મેગા ઓપરેશન રાખ્યું હતું. સિગ્નલી પાસે 100 થી વધુ વનકર્મીઓ ગોઠવાઇ ગયા હતાં. આરએફઓએ 11 ટુકડી પાડી કર્મચારીઓની વહેંચણી કરી દીધી હતી. દરેકને સ્પષ્ટ સૂચના આપી દીધી હતી, વાઘની શંકા છે એટલે કોઇએ એકલા જવું નહિ. પંજાના નિશાન, ઝાડ પર નખ માર્યા હોય તો તે, ડ્રોપિંગ કે મારણ મળે તો તેના ફોટો પણ લઇ લેવાના. દર એક કલાકે જીપીઅએસ લોકેશનથી ફોટો લઇ મોકલવો. સાંજ સુધીમાં વાઘનો રૂટ નક્કી થઇ જાય તેવું કરવાનું છે. એક પછી એક વાહનમાં વનકર્મીઓનો કાફલો નીકળી ગયો. 
4. રાત્રે બહાર નીકળવા પર પાબંદી
બીજી તરફ રાત્રે ઢોર ઘરની બહાર બાંધેલા હતા પણ વાઘ હોવાનું જાહેર થયા પછી પશુપાલકોના ચહેરા પર તેમની વ્યવસ્થા કરવાની ચિંતા પણ દેખાતી હતી. સંતરામપુરના કોસંબા, ટીંબરવા સહિતના જંગલ વિસ્તારમાં વાઘની હાજરીના કારણે  ખેતરોમાં ભૂંડોનું ભેલાણ થતું અટકી ગયું હોવાની ગામ લોકોમાં ખુશી હતી તો હવે એકલ દોકલ ઢોર ચરાવવા કે લાકડા લેવા નહિ જવાય તેનો ભય પણ સતાવતો હતો. રાત્રે 9-10 વાગ્યા પછી ઘરની બહાર નીકળવા પર પાબંધી આવી જશે તેવું પણ લોકોને લાગી રહ્યું હતું. 2 વર્ષ પહેલા દીપડાએ 5 બકરાંને ફાડી ખાધા હતાં, ત્યાર પછી લોકો ઘરની બહાર કાકડા મૂકી રાખતા હતાં. મહિલાઓ પણ કાકડા લઇ સામે થઇ જતી હતી. વાઘની હાજરી બાદ હવે કાકડાં રાખવાનું ચલણ ફરી વધી જશે તેમજ ડુંગર પર છુટાછવાયા રહેતા પરિવારો સ્થળાંતર કરે તેવી ભીતિ પણ લોકોને સતાવી રહી છે.
5. એક કોલ આવ્યો, કાર હંકારી મૂકી
આરએફઓ એ.આર. પટેલ અને રોહિત પટેલ રૂમમાં બેઠા વાતો કરતા હતાં. જંગલના રસ્તે સંતરાપુર જવાનો પ્લાન ઘડી રહ્યા હતા પરંતુ રોહિત પટેલને એક કોલ આવ્યો અને તેમણે લુણાવાડા તરફ કાર હંકારી મૂકી. થોડીવારમાં મેગા ઓપરેશનને પણ બંધ કરી દેવાની સૂચના આપી દેવાઇ. નાયબ વન સંરક્ષક પરમારે અધિકારીઓની એક મિટીંગ બોલાવી હતી. જેમાં નાઇટ વિઝન કેમેરામાં વાઘ દેખાયો હોવાનુ કહ્યા બાદ તાબડતોબ પ્રેસ કોન્ફરન્સ બોલાવી મહિસાગર જિલ્લામાં વાઘ હોવાની જાહેરાત કરી હતી. 
6. ત્યાં પુરાતન ગુફા પણ મળી
જે જગ્યાએ વાઘે દેખા દિધી તેની સામે ડુંગર ઉપર ચાર કિ.મી.વન ખાતાની ટીમ સાથે પહોંત્યો તો ત્યાં પુરાતન સમયની ગુફા પણ મળી આવી છે. જે અંદરથી પહોળી હતી અને કદાચિત ગુફામાં વાઘે વાસ કર્યો હોય તેવી અંદરો અંદર ચર્ચા થતી હતી. 
7. નવી છાપ માટે પગદંડી સાફ કરાઇ
જે રૂટ પર વાઘ જોવા મળ્યો છે તે રૂટ પર મંગળવારે રાત્રે ફરી વાઘ આવે તેવી શકયતાઓ જોતા વન વિભાગે રૂટ પર આવેલ કાચી પગદંડી પરથી ધૂળ સાફ કરી હતી, જેથી જુના નિશાન ના રહે અને વાઘની નવી છાપ મળી રહે. બિન અનુભવી સ્ટાફે ત્રણસો કિલોમીટર ફરી ત્રણ દિવસમાં વાઘને ટ્રેસ કર્યો હતો. 
8. નાઇટ વિઝન કેમેરા
અંદાજે 300 કિલોમીટર જંગલમાં ફરી 3 દિવસમાં જ વાઘને શોધી કાઢ્યો હતો. પગના પંજાની છાપ, ઝાડ પરના નખના નિશાન અને ડ્રોપિંગના નમૂના લીધા હતાં. 
9. આ વાઘ એમપીના રેવન્યુ વિસ્તારમાં દોઢ વર્ષથી ફરી રહ્યો છે
દાહોદની એનિમલ વેલ્ફેર એન્ડ રિહેબલીટીશન ટ્રસ્ટના પ્રતિક જૈને 17 ડિસેમ્બર, 2017ના રોજ જાંબુઆથી લાઇવ વિડીયો શેર કર્યો હતો જેમાં હાથીની મદદથી વાઘ શોધવાનો પ્રયાસ થઇ રહ્યો હતો. તે સમયે પ્રતિક જૈને  એફબી પર વાઘ ગુજરાતમાં પ્રવેશે તેવા એંધાણની આગાહી કરી હતી અને એ આગાહી આજે સાચી પડી છે. આ એ જ વાઘ છે જે રાતાપાણી એમપીથી નિકળી ગુજરાતમાં એક વર્ષ અને એક માસથી  ફરી રહ્યો છે. પ્રતિક જૈને જણાવ્યું હતું કે આ વાઘ એમપીના રેવન્યુ વિસ્તારમાં દોઢ વર્ષથી ફરી રહ્યો છે. 
10. ત્રણ જણા ભેગા થઇ ઘેટા- બકરાઓ ચરાવીએ છીએ
જે જગ્યાએ વાઘ પસાર થયો ત્યાં જ અમે બકરાઓ ચરાવીએ છીએ. વાઘનું સાંભળ્યા બાદ રાતના સમયે બકરાઓ અમે ઘરની અંદર બાંધીશુ.  ત્રણ જણા ભેગા થઇ બકરાઓ ચરાવીએ છીએ. - ગલીબેન નાયક, સ્થાનિક, ગઢ
11. 1 બોકડાનું મારણ થયું છે
મારી પાસે 35 બકરા  છે. ગત વર્ષે બે બોકડાનુ મારણ થયુ હતુ. અને મારા નણંદના એક બોકડાનું મારણ થયુ છે. જ્યારથી સાંભળ્યુ છે ત્યારથી ચિંતા તેમજ ડર લાગે છે શુ કરીશુ. - મંજુલાબેન મહેરાત, રહેવાસી ગઢ
12. ઝાડ પર નખના નિશાન મારી વાઘ તેની સરહદ નક્કી કરતો
ફોટોગ્રાફીના પુરાવાના અભાવે તેઓ દીપડો હોવાનો રાગ આલાપતા હતાં. ગઢ ગામ પાસેથી ઝાડ પર 7 ફૂટ ઉંચે નખના નિશાન મળ્યા હતાં. તે જોતા પ્રાણી વાઘ જ હોવાનું તેમને લાગ્યું હતું. સામાન્ય રીતે વાઘ ઝાડ પર નખ મારી અને લઘુશંકા કરી તેની સરહદ નક્કી કરતો હોય છે. આ ઉપરાંત પંજાના નિશાન માણસના હાથના પંજા કરતાં પણ મોટા હતાં.
13. ટ્રેકટરના પૈડાંની છાપ પરની ફૂટપ્રિન્ટ વાઘ સુધી લઇ ગઇ
શિક્ષકે જે જગ્યાએથી વાઘનો ફોટો પાડ્યો હતો તેની ખરાઇ કર્યા પછી વનવિભાગની ટીમે તેનો રૂટ શોધવા માટે ગતિવિધિ તેજ કરી દીધી હતી. દરમિયાન રસ્તા પર ટ્રેકટરના પૈડાંની છાપ ઉપર ફૂટપ્રિન્ટ મળી આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ પંજો દીપડા કરતા મોટો હોવાથી વાઘ હોવાની શંકા પ્રબળ બની હતી. વનવિભાગે આ રસ્તા પરથી ટ્રેકટર ક્યારે નીકળ્યું હતું તેની તપાસ કરાવતા માહિતી મળી કે 8મીએ સાંજે પસાર થયું હતું. જેમાં વાઘના પંજાના નિશાન તાજા જ હોવાનું જણાયું હતુ. ત્યારબાદ આગળના રૂટ પર તેની શોધખોળ શરૂ કરી હતી.
14. ચાઇનીઝ કેમેરાએ પહેલીવાર વાઘને ક્લિક કર્યો
મહિસાગરના જંગલમાં પહેલા વાઘના પગલાંના નિશાન અને ત્યારબાદ નાઇટ વિઝન કેમેરામાં ઝડપાયા બાદ વાઘની હાજરીની ખરાઇ કરવામાં આવી હતી. આ નાઇટ વિઝન કેમેરાં ગોઠવવામાં વડોદરાના વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર મનોજ ઠાકરને પણ વનવિભાગને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મનોજ ઠાકરે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘આ કેમેરા ચાઇનિઝ કંપનીના હતા. તે 40થી 50 ફૂટ સુધીની મૂવમેન્ટ કેપ્ચર કરી શકે છે. 
15. મંગળવારે સવારે કેમેરામાં કેદ થયો હતો
કેમેરાની તસવીર માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ જ હોય છે. વાઘ કેમેરાથી લગભગ 20થી 22 ફૂટના અંતરે પસાર થતાં ક્લિક થયો હોવાનું ટીમનું માનવું છે. આ અગાઉ આ કેમેરાં દીપડા અને રિંછના અભ્યાસ માટે પણ વનવિસ્તારમાં ગોઠવવામાં આવ્યાં હતાં. કેમેરા ટીમના વડા વનવિભાગના અધિકારી આરએમ પટેલે જણાવ્યું કે, ‘ પહેલીવાર બીજા દિવસે( મંગળવારે) સવારે અમે જ્યારે કેમેરાની ક્લિપ લેવા ગયા ત્યારે લગભગ 15 મિનિટ બાદ વાઘ જોવાતા તમામને ખુશી થઇ હતી.’.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી