અલીણા તાબેનાં ઇન્દિરાનગરીને પ્રાથમિક સુવિધાની બોણી ક્યારે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુવિધા પૂરી પાડવામાં વર્ષોથી તંત્રના અખાડા : જાગૃતજન દ્વારા વહીવટીતંત્ર સામે અનશન આંદોલન

મહુધા તાલુકાના અલીણા ગામથી અડધા કિલોમીટર દૂર ઈન્દીરાનગર આવેલ છે. સદર નગરમાં ૪૦૦થી પ૦૦ની જનસંખ્યા ધરાવે છે. આ ઈન્દિરાનગરમાં આદિવાસી, મુસ્લિમ, કચ્છી કોળી અને ભરવાડ જેવા સામાજિક પછાત જાતિના લોકો વસવાટ કરી રહ્યા છે. રહીશો વર્ષોથી વસવાટ કરતા હોવા છતાંય જવાબદાર તંત્રવાહકો દ્વારા આજદિન સુધી રસ્તા, સ્ટ્રીટલાઈટ તેમ જ પીવાનું પાણી પુરુ પાડવા જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખતાં સ્થાનિકોમાં રોષની લાગણી પ્રર્વત્તી રહી છે.

આ અંગેની અલીણા ગામના સ્થાનિક જાગૃત્તજનો પાસેથી વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ અલીણા પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને વરસાદી પાણી તેમ જ કાદવી કીચડના લીધે દર વર્ષે ચોમાસાની મોસમ દરમિયાન ફરજિયાતપણે શાળામાં રજા પાડવી પડે છે. શાળામાં બાળકોને રજા પાડવી પડતી હોઇ અભ્યાસ બગડતાં ગામના ઈન્દીરાનગરના રહીશ પ્રભુભાઈ રામજીભાઈ કચ્છીએ ગત ૪થી નવેમ્બરથી વહીવટી તંત્ર સામે આમરણાંત અનશન આંદોલન હાથ ધર્યુ છે.

તેઓની માંગણી મુજબ મહીસા રોડથી બે કિલોમીટરનો ઈન્દીરાનગરનો કાચો રસ્તો, જેની ઉપર પગપાળા પણ જઈ શકાય તેમ ન હોઈ આ કાચા રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા ટેકરા વાળા રસ્તાને પાકો કરવાની રજૂઆત અવારનવાર તાલુકા તેમ જ જિલ્લાકક્ષાના સત્તાધીશો સમક્ષ કરવા છતાંય આજદિન સુધી કામગીરી હાથ ધરવામાં આવી નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ અલીણા ગ્રામ પંચાયતની કમિટિએ ગત તા.૨૧-૦૯-૧૨ના રોજ ઠરાવ કરી સદર રસ્તા અંગે ઉચ્ચ અધિકારી દ્વારા ઘટતું કરવા માંગણી કરેલ છે. પરંતુ તે વાતને આજે એક વર્ષનો સમયગાળો થવા છતાંય આ રસ્તો નવો બનવા અંગે કોઈ એંધાણ ન દેખાતા ઈન્દીરાનગરની પ્રજાને અહિંસક આંદોલનનું શસ્ત્ર ઉગામવવું પડયું છે.