ડાકોર મંદિરમાં આજે તુલસી વિવાહનો પ્રસંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કારતક સુદ અગિયારસ એટલે કે દેવઉઠી એકાદશી ભક્તિભાવપૂર્વક ઉજવાશે

નડિયાદ શહેર સહિ‌ત ખેડા જિલ્લાનાં દેવમંદિરોમાં બુધવારે કારતક સુદ અગિયારસ એટલે કે દેવઉઠી એકાદશી ભક્તિભાવપૂર્વક ઉજવાશે. આ દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડજી મંદિરમાં તુલસી વિવાહ ધામધૂમથી ઉજવાશે. આ પ્રસંગે મંદિરના શ્રી ઠાકોરજી વરરાજા બનીને વાજતેગાજતે તુલસી સાથે પરણવા જશે.

આ દિવ્ય દર્શનનો લાભ લેવા મોટીસંખ્યામાં વૈષ્ણવો તથા શ્રદ્ધાળુઓ ઉમટી પડશે અને લગ્નગીતો તેમ જ જય રણછોડ, માખણચોરના નાદથી વાતાવરણ ગુંજી ઉઠશે. યાત્રાધામ ડાકોર શ્રી રણછોડજી મંદિરમાં બુધવારે તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ દિવ્ય પ્રસંગે સાંજે ૬ વાગે મંદિરના શ્રી ગોપાલ લાલજી મહારાજ લાલવસ્ત્રોમાં સુસજ્જ થઈ માથે હિ‌રાજડિત શહેરો બાંધીને વરરાજા બનીને ઘોડે ચઢીને પરણવા જશે.

મંદિરમાંથી ઘોડા ઉપર બિરાજીને ભગવાનનો વરઘોડો વાજતે ગાજતે નગરના જાહેરમાર્ગો ઉપર નીકળશે. નગરના જાહેરમાર્ગો ઉપર વિવિધ ભજનમંડળીઓ દ્વારા ભજનર્કિતનની રમઝટ સાથે લગ્નનાં ગીતો તેમ જ જય રણછોડના નાદથી ગુંજી ઉઠશે અને ભગવાનનાં વાજતેગાજતે નીકળેલા શોભાયાત્રામાં ભક્તજનો નાચ-ગાન કરીને આનંદ વ્યકત કરશે. સદર શોભાયાત્રા લક્ષ્મીજી મંદિરે જશે. જ્યાંથી નિજમંદિર પરત આવશે. મંદિરમાં ભરાયેલ કુંજમાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજીને ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે તુલસી વિવાહ સંપન્ન થશે.