વિરપુર પાસે ટેમ્પો ઝાડ સાથે ટકરાતાં ૧નું મોત : ૮ને ઈજા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરપુર તાલુકાના લીંબોડા ગામ નજીક એક છોટાહાથી ટેમ્પો ધડાકાભેર ઝાડ સાથે ટકરાતા એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ૮ મુસાફરોને શરીરે વત્તા-ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ થતાં વિરપુર પોસઇ બી.કે.રબારી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ ઇજાગ્રસ્ત મુસાફરોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર લીંબડીયા ચોકડીથી એક છોટાહાથી ટેમ્પા નં. જી.જે.૭ વી.વી. ૮૪૯૨નો ચાલક મુસાફરો ભરી વિરપુર તરફ આવવા નીકળ્યો હતો. ટેમ્પો લીંબોડા ગામ નજીકથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ચાલકે ટેમ્પો બેફીકરાઇ અને પુરપાટ ઝડપે હંકારી સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા છોટાહાથી ધડાકાભેર ઝાડ સાથે અથડાવ્યો હતો. જેથી ટેમ્પામાં બેઠેલા ભરતભાઇ કાનજીભાઇ ભોઇ(ઉ.વ.૩૦, રહે.વિરપુર)ને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેઓનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું.

જ્યારે ટેમ્પામાં મુસાફરી કરતાં પ્રજાપતિ હિમાશું નવીનભાઇ(રહે.વિરપુર), પ્રજાપતિ ઉમેશભાઇ ડી. (રહે.વિરપુર), માલીવાડ શનાભાઇ નાનાભાઇ(રહે.ચાણસેરા), વાઘરી જીવણભાઇ રણછોડભાઇ(રહે.વિરપુર), ડામોર મણીભાઇ સુફરાભાઇ(રહે. રાજસ્થાન), ડામોર અભાભાઇ ઝાલાભાઇ(રહે. કાલિયાકુવા), જયંતીભાઇ શ્રીમાળી(રહે.વિરપુર) તથા કલારા સોમાભાઇ ચોખાભાઇ (રહે.રાજસ્થાન)નાઓને શરીરે વત્તાઓછા પ્રમાણમાં ઇજા પહોંચી હતી. આ અકસ્માતના બનાવની જાણ વિરપુર પોલીસને થતાં પોસઇ બી.કે.રબારી સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ બનાવ સંદર્ભે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.