વનોડામાં શિક્ષકે 5 છાત્રને બેરહેમીથી માર માર્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઠાસરા તાલુકાના વનોડા ગામની હાઈસ્કૂલના એક શિક્ષકે નજીવી બાબતે પાંચ વિદ્યાર્થીઓને બેરહેમીપૂર્વક મારતાં ચકચાર મચી ગઈ હતી. આ બાબતે વિદ્યાર્થીઓના વાલીઓએ શાળામાં જઈને આચાર્ય તથા શિક્ષકને ઠપકો કરતાં તેઓને અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યા હતા. આ ઘટના સંદર્ભે મામલો ઠાસરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જોકે, ઉપરતી દબાણના કારણે મોડીસાંજ સુધી ફરિયાદ લેવામાં આવી ન હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો હતો.

વનોડા ગામમાં આવેલાં સરસ્વતી વિદ્યામંદિરમાં મંગળવારે સવારે ૧૦ વાગ્યે ધો.૯ના વિદ્યાર્થીઓ સતીષ ઉદેસિંહ પરમાર, જેઠા નાથાભાઈ ભરવાડ, ગોપાલ રાજુભાઈ ભરવાડ, રણજીત ભલાભાઈ પરમાર, દિનેશ કિશોરભાઈ પરમાર અને સંજય પ્રભાતભાઈ પરમાર પ્રાર્થના ગવડાવવા બેઠાં હતા. શાળાના આચાર્ય અજયભાઈ પટેલ તથા શિક્ષક અનિલભાઈ કર્તિનભાઈ પટેલે આવીને 'તમે કેમ પ્રાર્થના ગવડાવી રહ્યા છો? તમારું પ્રાર્થના ગવડાવવાના લિસ્ટમાં નામ જ નથી’, તેમ કહીને વાંસની લાકડી વડે પાંચેય વિદ્યાર્થીઓને પગમાં માર મારીને સોળા પાડી દીધા હતા.

ત્યારબાદ આ વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ શાળામાં બનેલી ઘટના અંગેની તમામ હકીકત વાલીઓને કહી હતી. જેથી વાલીઓ સ્કૂલમાં ધસી આવ્યા હતા. વાલીઓએ આ બાબતે ઠપકો કરતાં શાળાના આચાર્ય તથા શિક્ષકે તેઓની સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરીને શાળામાંથી હાંકી કાઢયાં હતા. વાલીઓ આ બાબતે ફરિયાદ નોંધાવવા માટે ઠાસરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ તેમની મોડી સાંજ સુધી ફરિયાદ લેવામાં આવી નોહતી.

ભવિષ્યમાં બાળકોને હાનિ ન પહોંચે તે અંગે તાકીદ

આ સંદર્ભે સરસ્વતી વિદ્યામંદિર કેળવણી મંડળના મંત્રી વિનયભાઈ પટેલે જણાવ્યું હતું કે 'આ વિદ્યાર્થીઓ છેલ્લા ચાર-પાંચ દિવસથી અનિયમિત હતા અને મસ્તીખોર પણ છે. વિદ્યાર્થીઓને ઠપકા સાથે શાળાના આચાર્ય તથા શિક્ષકે પગલાં ભર્યા હતા, પરંતુ ભવિષ્યમાં શિક્ષક દ્વારા કોઈ વિદ્યાર્થીઓને આ રીતે શિક્ષા કરવામાં ન આવે તે માટેની તાકીદ કરવામાં આવશે.’

અમે પ્રજાની રક્ષા કરવા બેઠાં છીએ : પીએસઆઇ

આ સંદર્ભે ઠાસરા પોલીસ મથકના પીએસઆઇ આર.આઇ.સોલંકીનો સંર્પક કરતાં તેઓએ જણાવ્યું હતું કે 'અમે પ્રજાની રક્ષા કરવા માટે બેઠાં છીએ. અમારી પાસે ફરિયાદી આવે તો ફરિયાદ લઈશું અને કાયદેસરના પગલાં ભરીશું, પરંતુ હજુ સુધી કોઈ ફરિયાદ કરવા આવ્યું નથી.’