પાલ્લા-વૌઠાનાં ભાતીગળ મેળાનો આજથી થનારો આરંભ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ દિવસના મેળામાં ચરોતરની પ્રજા મોટી સંખ્યામાં ઉમટશે

ઐતિહાસિક પાલ્લા-વૌંઠાના ભાતીગળ લોકમેળાનો બુધવારે કારતક સુદ દેવઉઠી અગિયારસના દિવસથી પ્રારંભ થશે. આ મેળો માણવા માટે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો સહિ‌ત મોટી સંખ્યામાં પ્રજાજનો ઉમટી પડશે. આ મેળામાં પાલ્લા ખાતે વિવિધ પ્રકારના ૧પ૦ ઉપરાંત હંગામી સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.

ધોળકા તાલુકાના વૌંઠા ગામ પાસે સાબરમતી, હાથમતી, મેશ્વો, ખારી, વાત્રક, શેઢી, માઝુમ એમ સાત નદીના સંગમસ્થાને કારતક સુદ એકાદશીથી કારતક સુદ પૂનમ સુધી પાંચ દિવસનો ભવ્ય લોકમેળો ભરાય છે. આ વૌંઠા-પાલ્લાના મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. શ્રદ્ધાળુઓ સપ્તનદીના સ્થળે સ્નાન કરીને ચકલેશ્વર મહાદેવ અને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરીને મેળાને મનભરીને મહાલવાનો લાભ લે છે.

આ મેળો રાત-દિવસ સળંગ પાંચ દિવસ સુધી ચાલુ રહે છે. જેમાં વિવિધ પ્રકારના મનોરંજનના સ્ટોલ, ખાણી-પીણીના સ્ટોલ તેમ જ વિવિધ સંસ્થાઓના સ્ટોલ, સરકારી યોજનાઓના માર્ગદર્શન તેમ જ જનજાગૃતિ અંગેના સ્ટોલ પણ જોવા મળશે. સૌથી વિશેષતા એ છે કે આ મેળામાં પશુધનનો વેપાર થાય છે. જેમાં ખાસ કરીને ગધેડા, ઘોડા અને ઉંટનો વેપાર થાય છે. ગધેડાનો વેપાર કરવા માટે રાજ્યભરમાંથી વેપારીઓ આવે છે. જેમાં અંદાજીત ૨પ હજાર ઉપરાંત ગધેડાનો વેપાર થાય છે. આ મેળામાં ખેડા જિલ્લાનાં એસ.ટી વિભાગ દ્વારા મેળા દરમિયાન ખાસ એકસ્ટ્રા બસો પણ દોડાવવામાં આવે છે.